પ્લોટ-16 – પ્રકરણ-13 નરબલિ કે રિસર્ચ?

યોગેશ સી પટેલ
ગોહિલ અને કદમ ડીસીપી સુનીલ જોશીની ઑફિસેથી નીકળી બોલેરો તરફ આગળ વધ્યા. તેમને આવતા જોઈને કોન્સ્ટેબલ સંજય માને હાથમાંનું તમાકુ ફેંકીને ઉતાવળે ડ્રાઈવિંગ સીટ પર ગોઠવાયો. ગોહિલ અને કદમ બોલેરોની પાછલી સીટ પર બેઠા. બોલેરો સ્ટાર્ટ થતાં ગોહિલે સબ-ઈન્સ્પેક્ટર દત્તા બંડગરને ફરી કૉલ કર્યો.
‘બંડગર, જરા વિસ્તારથી જણાવ… શું થયું ભાગવતીનું?’ કૉલ રિસીવ થતાં જ ગોહિલે પ્રશ્ન કર્યો.
‘સર, કાલે રાતે દસેક વાગે ગોરેગામમાં સ્ટેશન રોડ પરની એક દુકાનમાં ભાગવતી વસ્તુ ખરીદવા ગઈ હતી. દુકાનમાંથી નીકળી ત્યારે ઉડુપી હોટેલ તરફથી આવેલી એક કારે તેને કચડી નાખી, જેમાં ઘટનાસ્થળે જ ભાગવતીએ દમ તોડ્યો.’ બંડગરે માહિતી આપી.
‘એ ત્યાં શું કરતી હતી? એટલે કે ભાગવતી ગોરેગામમાં જ રહેતી હતી કે પછી…’ ગોહિલનો પ્રશ્ન બંડગર સમજી ગયો.
‘હા… સર! ગોરેગામમાં કોઈ પાટીલ ફૅમિલીને ત્યાં ઘરકામ કરતી હતી અને ત્યાં જ રહેતી હતી, એવી જાણકારી વનરાઈ પોલીસે આપી છે.’ બંડગરે જણાવ્યું.
બોલેરો જોગેશ્વરીના જયકોચ પાસે પહોંચી ત્યારે હાઈવે પર વાહનોનો ભારે ટ્રાફિક હતો. ટ્રાફિકને કારણે બોલેરો ધીમી ગતિએ આગળ વધતી હતી.
‘પેલી કારની કોઈ માહિતી?’
‘જ્યાં ઘટના બની તેની આસપાસની દુકાન બહારના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ વનરાઈ પોલીસ તપાસી રહી છે, પણ હજુ સુધી કામની કોઈ માહિતી હાથ લાગી નથી.’
બંડગરે કહ્યું: ‘અકસ્માત પછી ડ્રાઈવરે કાર પૂરપાટ ઝડપે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે તરફ ભગાવી મૂકી… ત્યાંથી અંધેરીની દિશામાં ગઈ હોવાનું રાહદારીઓએ વનરાઈ પોલીસને જણાવ્યું હતું.’
‘તારી પાસે માહિતી વનરાઈ પોલીસ પાસેથી આવી?’ બોલેરો હવે હબ મૉલ નજીક આવી હતી.
‘જી, સર. આપણે ભાગવતીની તસવીર દરેક પોલીસ સ્ટેશનને મોકલી હતીને? તો આજે સવારે વનરાઈના એક અધિકારીનું ધ્યાન ગયું કે ભાગવતીને આપણે શોધી રહ્યા છીએ એટલે એણે જાણ કરી. લાશ પોસ્ટમોર્ટમ માટે કૂપર હૉસ્પિટલમાં લઈ જવાઈ છે.’
‘બીજી કોઈ માહિતી?’
‘ના… સર. ઘટના કાલે રાતે જ બની હોવાથી વનરાઈ પોલીસ પાસે પણ વધુ માહિતી નથી.’
‘ઠીક છે, બંડગર. એક કામ કર… તું હમણાં વનરાઈ જા અને ઘટનાને લગતા દસ્તાવેજોની નકલ મેળવ. એ સિવાય ભાગવતી જે પાટીલ પરિવાર સાથે રહેતી હતી એનું એડ્રેસ પણ લઈ આવ.’
ગોહિલે વધુમાં કહ્યું: ‘હું અને કદમ આરે પોલીસ સ્ટેશને આવીએ છીએ… પછી સમય મળે તો તું પાટીલ પરિવારના ઘરે જઈ આવજે.’
થોડું રોકાઈને ગોહિલે કહ્યું: ‘ત્યાંથી ભાગવતીની જેટલી માહિતી મળે એ મેળવજે.’
બંડગરે ‘ઓકે’ કહેતાં ગોહિલે ફોન કટ કર્યો.
‘આ અકસ્માત નહીં, કાવતરું છે… મંજરીની મા ભાગવતીને કાર નીચે કચડીને બેરહેમીથી મારી નાખવામાં આવી છે!’ વિરોધી પક્ષ નેતા ગજાનન બાપટે સરકારને થાપટ મારવાનો મોકો શોધી કાઢ્યો.
‘આ લોકો કેટલા નિર્દયી છે… ભાગવતી સામે આવતાં જ મંજરીની હત્યાનો ભેદ ખૂલવાની સાથે બીજાં કારસ્તાનો ઉઘાડાં પડવાની બીકે તેને હંમેશ માટે ચૂપ કરી દીધી.’ ગજાનન બાપટ આરે પોલીસ સ્ટેશન બહાર ઊભા રહીને ચૅનલોનાં માઈક સામે આગ ઓકી રહ્યા હતા.
‘શહેરમાં સબ સલામત જેવું છે, એવાં બણગાં જાંભુળકર ફૂંકે છે, પણ અહીં તો નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે એનું શું.’
‘સરકાર ઠંડા પહોરનાં ગપ્પાં હાંકે છે, પણ પોલીસ શું કરે છે. હું અહીં પોલીસને એ જ સવાલ પૂછવા આવ્યો હતો, પણ મને કોઈ સંતોષજનક જવાબ મળ્યા નથી. પોલીસે એટલું માનવું રહ્યું કે માત્ર કૅબિનમાં બેસી રહેવાથી આરોપી પકડાવાના નથી!’ પાક્કા રાજકારણી બાપટે પોલીસને પણ આંટામાં લીધી.
‘આરેના માર્ગ પર આટલા વાહનચાલકોએ જીવ ગુમાવ્યા છે… એ મુદ્દે હું બે-ત્રણ મહિનાથી અવાજ ઉઠાવી રહ્યો છું, પણ સરકારના બહેરા કાને આ વાત પહોંચતી નથી અને પોલીસ પણ ગંભીર જણાતી નથી!’ બાપટ પૂરેપૂરું ભાષણ ગોખીને આવ્યા હોવાનું લાગતું હતું.
‘મારો દાવો છે કે મંજરીના મોત પાછળ મોટું ષડ્યંત્ર છે અને એમાં મોટાં માથાં સંડોવાયેલાં છે. સરકારના અમુક લોકોના વરદહસ્ત નીચે આખું ષડ્યંત્ર ચાલી રહ્યું છે.’ બાપટે મોટો ધડાકો કર્યો.
‘વિધાનસભ્ય જાંભુળકર કહે છે, વિરોધ પક્ષ ખોટો હોબાળો મચાવીને ડરનો માહોલ ઊભો કરે છે… નજીવી બાબતોને બહોળું સ્વરૂપ આપી હંગામો મચાવે છે અને અફવા ફેલાવે છે… તો જનતા જ કહે, અત્યારે આરેમાં ડરનો માહોલ નથી? એક છોકરીનું શબ મળે પછી તેની માને બેરહેમીથી મારી નાખવામાં આવે છે એ અફવા છે.
શું જનતા બહેરી-મૂગી છે? ના… જનતાને બધું દેખાય અને સંભળાય છે. એમની સહનશીલતાની પરીક્ષા ન કરો… અને જે રીતે વાહનચાલકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે… નાગરિકો માટે અમે હોબાળો નહીં મચાવીએ તો કોણ મચાવશે?’ એક શ્ર્વાસે બાપટ આટલું બોલી શક્યા તેનું પત્રકારોને આશ્ર્ચર્ય થયું.
‘એસઆઈટી નીમવામાં આવી, પણ પરિણામ ક્યાં છે? હવે આ કેસની તપાસ સીઆઈડી કે સીબીઆઈને સોંપાવી જોઈએ. આ મુદ્દો વિધાનસભામાં ઉઠાવાશે… જય હિન્દ!’ લુચ્ચા હાસ્ય સાથે હાથ જોડીને પત્રકારોથી વિદાય લઈ બાપટ તેમની કારમાં રવાના થયા.
‘મને તો ડૉક્ટરના બન્ને મુદ્દા પાયાવિહોણા લાગે છે… એ દિશામાં તપાસ એટલે નર્યો સમયનો વેડફાટ!’
ઈન્સ્પેક્ટર રવિ કદમની વાત એપીઆઈ પ્રણય શિંદેના સમજમાં ન આવી. એ બાઘાની માફક કદમ તરફ જોઈ રહ્યો.
ગોહિલને ઘટનાસ્થળની તસવીરો પાછી એક વાર જોવી હતી. તેની સૂચનાથી શિંદે ઈન્સ્પેક્ટર રાજીવ કામત પાસેથી તસવીરો લાવ્યો હતો. એક પછી એક તસવીરોને ધ્યાનથી જોઈ ગોહિલ તેને ટેબલ પર ગોઠવતો હતો. પંદરેક મિનિટની ચુપકીદી પછી કદમે બોલવાનું શરૂ કર્યું હતું.
‘આપણે મંજરીની હત્યા પર જ ધ્યાન કેન્દ્રિત કરીને એની તપાસ કરવી જોઈએ. ડૉક્ટરોની વાત સાંભળીશું તો ઊંધે રવાડે ચડી જઈશું!’ શિંદેના મગજમાં હજુ પણ કદમની વાતોનો કોઈ તાલમેલ બેસતો નહોતો.
ડીસીપી જોશી સાથેની મીટિંગમાં શિંદે નહોતો એટલે ત્યાં ડૉ. સહાણે અને ડૉ. ઈમાનદારે રજૂ કરેલી બે શક્યતાઓ વિશે તે અજાણ હતો. ડીસીપીએ બન્ને મુદ્દા પર તપાસ કરવાનું કહ્યું હોવાથી કદમ ઊંચોનીચો થતો હતો. કદમ તરફ માત્ર એક નજર કરીને ગોહિલે તસવીરો જોવાનું ચાલુ રાખ્યું. તેના હોઠ પર આછું સ્મિત હતું.
‘એક તો મંજરીની મા મરી ગઈ… ઉપરથી આરેના મુખ્ય માર્ગ પર અમુક જ ઠેકાણે સીસીટીવી કૅમેરા લાગેલા છે. આ જંગલમાં કોણ ક્યાં શું કરે છે અને ક્યાં જાય છે એના પર નજર રાખવું મુશ્કેલ છે.’ કદમ ઉશ્કેરાટમાં આવ્યો.
‘શાંતિ રાખ, કદમ. ડીસીપીસાહેબે કહ્યું છે તો કરીશું તપાસ.’
ડૉક્ટરોએ રજૂ કરેલા બન્ને મુદ્દા… નરબલિ અને ગેરકાયદે રિસર્ચને ગોહિલ ગંભીરતાથી લેવા માગતો નહોતો. તેણે મલકાતાં કહ્યું: ‘તને તાંત્રિક… બાબા કે રિસર્ચ સેન્ટર શોધવા નહીં મોકલું… બસ!’ હવે કદમ પણ થોડો મલકાયો.
‘રિસર્ચ સેન્ટર? એટલે?’ શિંદેને હવે થોડું સમજમાં આવ્યું હતું, પણ પૂરી વાત જાણવા તેણે પ્રશ્ન કર્યો.
‘હા ભાઈ… ડૉ. સહાણેને લાગે છે કે આમાં નરબલિ જેવું કંઈ છે અને ડૉ. ઈમાનદારને જોખમી રિસર્ચની શક્યતા જણાય છે.’ કદમે ખુલાસો કર્યો.
‘આપણે તો યુનિટ સોળ અને આસપાસના પરિસરમાં ત્રણથી ચાર વાર જઈ આવ્યા, સર… રિસર્ચ ચાલતું હોત તો ખબર પડી ગઈ હોત!’ શિંદેએ અભિપ્રાય આપ્યો.
‘તારી વાત સાચી છે, શિંદે… મને પણ નથી લાગતું કે જંગલમાં માનવશરીર પર કોઈ રિસર્ચ થતું હશે, પણ તપાસ કરવામાં વાંધો શો છે?’
‘અને રહી વાત નરબલિની તો… કોઈ તાંત્રિક બાબા છોકરીનું હૃદય કાઢી લીધા પછી શબ સીવવાની તસ્દી શું કામ લે?’ ગોહિલે કહ્યું.
આમ તો ડૉક્ટરોની નરબલિ અને જોખમી રિસર્ચની વાત પ્રત્યે ગોહિલ ગંભીર નહોતો, પણ તપાસમાં તે કોઈ કચાશ રાખવા માગતો નહોતો. વળી, ડીસીપીને જવાબ પણ આપવાનો હતો.
‘કાળે, તું દળવી સાથે જંગલમાં ફરી વળ… કંઈ શંકાસ્પદ જણાય તો આપણે એ દિશામાં પણ આગળ વધીશું.’
કોન્સ્ટેબલ નામદેવ દળવી જંગલના માર્ગોથી પરિચિત હોવાથી ગોહિલે તેની મદદ લેવાનો સબ-ઈન્સ્પેક્ટર વિજય કાળેને આદેશ આપ્યો.
‘અચ્છા… હું જે વિચારું છું એના પર અત્યારે ધ્યાન આપો.’ તસવીરો તરફ ઇશારો કરતાં ગોહિલે કહ્યું: ‘મને પાક્કી શંકા છે કે ત્યાં બીજાં પણ શબ દટાયેલાં છે!’
‘પાક્કી શંકા?’ શિંદેના મગજ પર આજે હથોડા પડી રહ્યા હતા.
‘હા… ખાતરી તો તપાસ પછી થશેને?’ ગોહિલે કહ્યું.
‘આ તસવીરો જુઓ… મંજરીનું શબ જ્યાંથી મળ્યું… માત્ર એ જ જગ્યાએ બેથી અઢી ફૂટ ઊંડો ખાડો છે. આસપાસ ક્યાંય આવો ખાડો નથી.’ ગોહિલની વાત સાંભળી કદમ અને શિંદે તસવીરોને ધ્યાનથી જોવા લાગ્યા.
‘હેલિકૉપ્ટર પટકાવાને કારણે એક ખાડો પડ્યો અને એમાંથી છોકરીનું શબ મળ્યું… જો આસપાસની જગ્યા ખોદવામાં આવે તો?’ ગોહિલે વિચાર જણાવ્યો.
‘પણ સર, એ જગ્યાએ બીજાં શબ દટાયેલાં છે કે નહીં એ ખોદકામ વિના કઈ રીતે ખબર પડશે?’
માથું ખંજવાળતાં શિંદેએ કહ્યું: ‘ખોદવા માટે તો વન વિભાગની પરવાનગી લેવી પડશે અને પરવાનગી માટે લાશ હોવાના પુરાવા જોઈશે! આ કુંડાળાની શરૂઆત અને અંત ક્યાં છે એ કેવી રીતે ખબર પડશે!’
‘એનો માર્ગ મેં શોધી કાઢ્યો છે… ફોરેન્સિકની મદદ લઈશું.’
‘…પણ મને ખયાલ છે ત્યાં સુધી આપણી ફોરેન્સિક પાસે એવું કોઈ મશીન… ઉપકરણો નથી, જે જમીનમાં દટાયેલી લાશ શોધી કાઢે.’ કદમે જણાવ્યું.
‘હા… પણ મેટલ ડિટેક્ટરથી મેટલ તો શોધી શકાય છેને!’ ગોહિલની વાત શિંદે ન સમજ્યો. અત્યારે સમજશક્તિ ક્ષીણ થઈ ગઈ હોવાનું શિંદેને લાગ્યું.
‘મેટલ ડિટેક્ટરથી કઈ રીતે લાશ શોધાશે?’ આશ્ર્ચર્યથી તેણે પૂછ્યું.
‘શિંદે… મેટલ ડિટેક્ટર લાશ નહીં શોધે, પણ શબમાં લાગેલું કોઈ મેટલ તો શોધી શકે છેને?’
ગોહિલે કહ્યું: ‘આ અંધારામાં તીર ચલાવવા જેવું છે… જુગટુ રમવા સમાન! નસીબ સાથ આપે અને જમીનમાં લાશની સાથે કોઈ ધાતુ દટાયેલી હશે તો એ ધાતુની મદદથી લાશ શોધી શકાશે…’
ગોહિલની નજર ફોટા પર તકાયેલી હતી: ‘જો એકાદ શબ શોધવામાં પણ આપણે સફળ થયાને તો બીજાં શબ શોધવાનો માર્ગ એની મેળે ખૂલી જશે! અત્યારે બીજો કોઈ માર્ગ આપણી પાસે નથી!’
‘લાશ સાથે ધાતુ?’ શિંદે ફરી માથું ખંજવાળવા લાગ્યો.
‘અરે, યાર! કદાચ કોઈ વ્યક્તિએ ભૂતકાળમાં ઑપરેશન કરાવ્યું હોય ત્યારે મેટલ પ્લેટ-સ્ક્રૂનો ઉપયોગ થયો હોય તો તે મેટલ ડિટેક્ટરથી શોધી શકાશે. એ સિવાય શબ સાથે સોના-ચાંદીની કોઈ વસ્તુ રહી ગઈ હોય અથવા કોઈ વ્યક્તિના દાંતમાં આવી ધાતુ બેસાડવામાં આવી હોય તો આપણું કામ બની શકે છે!’ (ક્રમશ:)