પ્લોટ-16 – પ્રકરણ-10 જંગલમાં હાર્ટ અટેક આવવા જેવું શું છે?

પ્લોટ-16 – પ્રકરણ-10
યોગેશ સી પટેલ
આરે પોલીસ સ્ટેશનથી વીસેક ડગલાં આગળ ઓ. પી. ગાર્ડનની સામેના સ્ટૉલ પાસે બાઈક પાર્ક કરીને સબ-ઈન્સ્પેક્ટર દત્તા બંડગર સિગારેટ ફૂંકવા ઊભો હતો. તેના એક હાથમાં સિગારેટ તો બીજામાં સીલબંધ કવર હતું. સિગારેટનો ઊંડો કશ લઈને ધૂમ્રસેર હવામાં ઉડાડી તે વારંવાર કવરને જોતો હતો. કવરમાં ફોરેન્સિક લૅબોરેટરીનો અહેવાલ હતો.
સવારે ઈન્સ્પેક્ટર ગોહિલે ફોન કરીને બંડગરને ફોરેન્સિક સાયન્સ લૅબોરેટરી જવાનું કહ્યું હતું. ફોરેન્સિક લૅબોરેટરીથી અહેવાલ લઈને પાછા ફરેલા બંડગરને પોલીસ સ્ટેશન બહાર ક્રાઈમ બ્રાન્ચની બોલેરો નજરે ન પડી એટલે સિગારેટ ફૂંકવાની ઇચ્છા થઈ. સિગારેટનું વ્યસન નહોતું, પણ સમય મળ્યે તે આ શોખ પૂરો કરતો.
પોલીસ સ્ટેશન તરફ જોઈને બંડગરે સિગારેટનો પાછો એક કશ માર્યો. ફોરેન્સિકનો અહેવાલ વાંચવાની તેને તાલાવેલી હતી, પણ કવર સીલબંધ હોવાથી શું કરવું તેની અવઢવમાં તે વારંવાર કવરને જોતો હતો.
ક્રાઈમ બ્રાન્ચની બોલેરો આવતી જોઈ બંડગરે સિગારેટનો છેલ્લો કશ લીધો. ગોહિલની ટીમ પોલીસ સ્ટેશન બહાર બોલેરોમાંથી ઊતરી ત્યારે રાઉન્ડઅપ પર નીકળેલા સિનિયર ઈન્સ્પેક્ટર અશોક ગાયકવાડ અને ઈન્સ્પેક્ટર રાજીવ કામત ભટકાયા. ગાયકવાડ અને કામત સાથે વાતચીત કર્યા પછી ગોહિલની ટીમ પોલીસ સ્ટેશનમાં ગઈ.
સિગારેટ ફેંકી બંડગરે પણ તેમની પાછળ ચાલવા માંડ્યું. ગોહિલની કૅબિનના દરવાજે ટકોરા મારી તે અંદર પ્રવેશ્યો. બંડગરે આપેલું કવર ખોલતી વખતે ગોહિલે તેને બેસવાનો ઇશારો કર્યો. કવરમાંથી કાગળ કાઢીને ગોહિલે ઝડપથી વાંચવાનું શરૂ કર્યું.
‘અત્યારે આપણી હાલત એવી છે કે એક સવાલનો જવાબ મળતો નથી ત્યાં બીજા ત્રણ પ્રશ્નો ઊભા થાય છે!’ ગોહિલે નિસાસો નાખતાં કહ્યું.
કોઈ કંઈ બોલ્યું નહીં, પણ અહેવાલમાં શું છે તે જાણવાની ઉત્કંઠા બધા અધિકારીને હતી.
‘આ અહેવાલે વધુ રહસ્યો ઊભાં કર્યાં છે… અને આપણું ટેન્શન વધાર્યું છે.’ ગોહિલે જ વાત આગળ વધારી.
‘કેમ, સર… શું કહે છે લૅબવાળા?’ આખરે એપીઆઈ પ્રણય શિંદેએ પ્રશ્ન કર્યો.
‘મંજરી નવલેનું શબ જ્યાંથી મળ્યું હતું એ સ્થળેથી ફોરેન્સિકની ટીમે માટીના નમૂના પણ પરીક્ષણ માટે લીધા હતા…’ ગોહિલે અહેવાલની વિગત જણાવતાં કહ્યું: ‘છોકરીના શબના નિરીક્ષણ પરથી લૅબના નિષ્ણાતોનો અંદાજો છે કે શબ અમુક દિવસોથી એ માટીમાં જ હતું… બહારથી લવાયું હોવાની શક્યતા નહીંવત્ છે!’
‘…એટલે કે આટલા દિવસથી મંજરીની લાશ ત્યાં જ પડી હતી અને કોઈનું ધ્યાન ન ગયું!’ શિંદેએ આશ્ચર્ય સાથે કહ્યું.
‘કાં પછી હેલિકૉપ્ટર તૂટી પડવાને કારણે જમીનમાં દટાયેલી લાશ ઉપર આવી ગઈ!’ ઈન્સ્પેક્ટર રવિ કદમે જાણે ધડાકો કર્યો.
‘આ તો વિચિત્ર ટ્વિસ્ટ છે, સર!’ સબ-ઈન્સ્પેક્ટર કપિલ રાજપૂતે અણધાર્યો અભિપ્રાય આપ્યો. પછી બધાના ચહેરા જોઈ નજર ઝુકાવી દીધી.
‘હા… વાત અચંબો પમાડનારી તો છે જ!’ ગોહિલે કહ્યું: ‘આપણે આટલા દિવસથી તર્ક-વિતર્ક લગાવી રહ્યા હતા અને હકીકત કંઈ જુદી જ છે!’
‘ફોરેન્સિકનો એવો પણ અભિપ્રાય છે કે છોકરીનું હૃદય કોઈએ કાઢ્યું હશે અને તે કાઢવા માટે છોકરીના શબને આડેધડ કપાયું નથી… બૉડી ભલે કામચલાઉ રીતે સીવવામાં આવી હતી, પણ કોઈ નવશિખાઉનું આ કામ નથી!’
ગોહિલ શ્વાસ લેવા રોકાયો. તેણે વધુમાં કહ્યું: ‘આ કૃત્ય જાણકાર વ્યક્તિ અથવા નિષ્ણાતનું હોવાની શક્યતા અહેવાલમાં વ્યક્ત કરાઈ છે!’
‘…એ હરામખોર દેખાય તો… એક ઘા ને બે કટકા! સમજ્યાને?’ યુનિટ પચીસના મુખિયા જુગલ મેશ્રામે તેનો ધારદાર કોયતો હવામાં વીંઝતાં કહ્યું.
‘જી… ભાઈજી!’ યુવાનોએ એકઅવાજે સમર્થન આપ્યું.
જંગલમાં મંજરીનું શબ મળ્યું અને તેનું હૃદય કોઈએ કાઢી લીધું હોવાનું જાણવા મળ્યા પછી આરેના યુનિટના મુખિયાઓની મીટિંગ થઈ હતી, જેમાં યુનિટ-13ના મુખિયા બાળકૃષ્ણ ટેકામે જંગલમાં માનવભક્ષીના વસવાટની શક્યતા વ્યક્ત કરી હતી. આ શક્યતાને આધારે માનવભક્ષીનો શિકાર કરવા મેશ્રામે યુવાનોની ટીમ બનાવી હતી. આ ટીમે કઈ રીતે કાર્ય કરવું તે સમજાવવા મેશ્રામે પિકનિક પૉઈન્ટના મેદાનમાં મીટિંગ ગોઠવી હતી.
‘કાલે જ મેં કોયતાને ધાર કઢાવી છે. તમે પણ શસ્ત્રો ધારદાર કરી લેજો! અલગ અલગ ટીમ બનાવીને બધા પાડામાં ફરીશું અને સાંજે આ જ ઠેકાણે પાછા મળીશું.’ મેશ્રામે બીજી સૂચના આપી.
‘એકદમ ધારદાર છે, ભાઈજી… અમે તૈયાર છીએ!’ યુવાનોએ પણ જુસ્સો દેખાડ્યો.
મેશ્રામની આક્રમકતા અને ઝનૂન જોઈ હવે ટેકામને તેણે આપેલા અભિપ્રાય પર પસ્તાવો થતો હતો.
‘આ રીતે આંધળુકિયાં કરવાથી કોઈ માસૂમ વ્યક્તિનો જીવ જઈ શકે.’ ટેકામે વિચાર્યું.
‘જુઓ… જોશમાં આવીને કોઈ ઘાતકી પગલું નથી લેવાનું! ખાતરી કર્યા વગર કોઈ પણ વ્યક્તિ પર હુમલો કરવાનું ટાળવું!’ ટેકામે સલાહ આપી.
‘ખાતરી કરવામાં એ માનવભક્ષી અમને ખાઈ જાય તો?’ એક યુવાને પ્રશ્ન કર્યો.
‘…પણ પૂરી જાણકારી વિના કોઈને મારવું ઉચિત નથી… આ રીતે તો તમે કોઈ નિર્દોષને પણ રહેંસી નાખશો.’ ટેકામે કડક શબ્દોમાં સમજાવ્યું.
‘સૌપ્રથમ આવા માનવભક્ષીની માહિતી મેળવો. તેની જાણકારી મળે તો આપણે ચર્ચા કરીને શું કરવું તેનો નિર્ણય લઈશું.’ ટેકામે સૂચવ્યું.
ટેકામની સૂચનાને જાણે કોઈએ કાને ધરી ન હોય તેમ ‘જોઈશું…!’ કહીને બધા છૂટા પડ્યા.
ફોરેન્સિક લૅબના અહેવાલની ચર્ચા હજુ પતી નથી ત્યાં તો દરવાજે ટકોરા મારી સબ-ઈન્સ્પેક્ટર વિજય કાળેએ કૅબિનમાં આવવાની પરવાનગી માગી. ગોહિલના કહેવાથી કાળે અને મહિલા સબ-ઈન્સ્પેક્ટર વિદ્યા પાટીલ કૅબિનમાં પ્રવેશી ખુરશીમાં ગોઠવાયાં.
કામચલાઉ આ કૅબિન પ્રમાણમાં ઘણી નાની હતી એટલે બધા સાંકડેમાંકડે બેઠા હતા. હેલિકૉપ્ટરમાં મુંબઈ દર્શન માટે આવેલા દંપતી પ્રિયા અને કરણ ધોળકિયાની વધુ વિગતો મેળવવા કાળે અને વિદ્યાને રાજકોટ મોકલવામાં આવ્યાં હતાં.
બન્ને રાજકોટથી હમસફર એક્સપ્રેસમાં પાછાં ફરી રહ્યાં હોવાની જાણ કાળેએ ફોન પર ગોહિલને કરી હતી. ટ્રેનનું નામ સાંભળી ગોહિલના ચહેરા પર એક ક્ષણ માટે સ્મિત આવી ગયું હતું. ટ્રેન મોડી પહોંચતાં બોરીવલી સ્ટેશને ઊતરીને બન્ને સીધાં પોલીસ સ્ટેશને આવ્યાં હતાં.
‘ધોળકિયા દંપતીની કોઈ જરૂરી કે… વિવાદાસ્પદ માહિતી?’ ગોહિલે કાળેને જોતાં પ્રશ્ન કર્યો.
‘ના… સર! રાજકોટમાં તપાસ દરમિયાન એવી કોઈ બાબત સામે નથી આવી કે જેનાથી તેમના પર શક કરી શકાય!’ કાળેએ માહિતી આપવા માંડી.
‘ધોળકિયા પરિવારના કોઈ પણ સભ્ય વિરુદ્ધ ક્યારેય સામાન્ય પોલીસ ફરિયાદ સુધ્ધાં નથી થઈ. ઑફિસમાં પણ કરણનો રેકોર્ડ એકદમ ચોખ્ખો છે!’
કાળેએ જણાવ્યું: ‘કરણના પિતાનો રાજકોટ સિટીમાં કપડાંનો મોટો શો-રૂમ છે. એન્જિનિયરિંગ પાસ કરીને કરણ ફાર્માસ્યુટિકલ કંપનીમાં નોકરીએ જોડાયો હતો. ગાડી-બંગલા કશાયની કમી નહીં!’
‘પ્રિયાના પિયરમાંથી પણ તપાસને યોગ્ય કોઈ માહિતી મળી નથી. બધા તેના માટે સારું જ બોલે છે.’ વિદ્યાએ પણ માહિતી પૂરી પાડી.
‘મને લાગે છે કે આ માત્ર અકસ્માત છે. બધી ઘટનાઓ એકસાથે સામે આવી છે એટલે આપણે મૂંઝવણમાં છીએ.’ ઈન્સ્પેક્ટર રવિ કદમે અભિપ્રાય આપ્યો: ‘આખા મામલામાં દંપતીની કોઈ સંડોવણી દેખાતી નથી.’
‘એવું જ હશે… મુંબઈ દર્શન માટેનું હેલિકૉપ્ટર તૂટી પડ્યું ત્યાં મંજરીનો મૃતદેહ મળ્યો એ જોગાનુજોગ હોઈ શકે!’ ગોહિલે પોતાનો મત જણાવ્યો.
‘આ બંડગર પણ કહેતો હતો કે હૉસ્પિટલમાં પ્રિયા ભાનમાં આવ્યા પછી આરે પોલીસે તેનું નિવેદન નોંધ્યું છે, પણ એમાંય કોઈ શંકાસ્પદ વાત સામે આવી નથી.’ ગોહિલે બંડગર તરફ હાથનો ઇશારો કરતાં કહ્યું.
‘…તો પછી સર, આપણી તપાસમાંથી ધોળકિયા પ્રકરણ અલગ કરી નાખીએ!’ સબ-ઈન્સ્પેક્ટર દત્તા બંડગરે કહ્યું.
‘હાં… પણ છોકરીના શબનું પ્રકરણ તો ઊભું જ છેને?’ ગોહિલે પ્રશ્ન ઉપસ્થિત કર્યો.
‘વળી, જંગલમાં યુનિટ સોળ આસપાસ જ વાહનચાલકોનાં શબ મળી રહ્યાં છે એનું શું?’
‘સર… મને તો આ ઘટનાઓ પણ અલગ અલગ લાગે છે.’ કદમે વિચાર કરીને કહ્યું: ‘આ બધી ઘટનાઓને એકબીજા સાથે કોઈ લેવાદેવા… સંબંધ હોવાનું લાગતું નથી!’
‘ના… છેક એવું નથી!’ ગોહિલે શંકા વ્યક્ત કરી: ‘કોઈ તો કડી હોવી જોઈએ આ ઘટનાઓને જોડનારી!’
કૅબિનના દરવાજે ફરી ટકોરા પડ્યા એટલે ચર્ચાને બ્રેક લાગી. કૂપર હૉસ્પિટલના ડૉ. ભાવિક માજીવડેએ આરેમાંથી તાજેતરમાં મળેલા મૃતદેહોના કેસોનો અભ્યાસ કરવાની સલાહ આપી હતી. ગોહિલની સૂચનાથી ઈન્સ્પેક્ટર રાજીવ કામત આવા કેસોની ફાઈલોનું નિરીક્ષણ કરીને આવ્યો હતો.
‘આવ કામત… બેસ!’ ગોહિલે બેસવાનું તો કહ્યું, પણ પછી ખયાલ આવ્યો કે કૅબિનમાં બેસવાની જગ્યા બચી જ નહોતી. કામતને બેસવાની વ્યવસ્થા ક્યાં કરવી એના વિચારમાં ગોહિલ આમતેમ જોવા લાગ્યો.
‘સર… તમે બેસો!’ બંડગરે ખુરશી ખાલી કરી આપી એટલે આનાકાની પછી કામત ખુરશીમાં ગોઠવાયો.
‘પાંચેક મહિનામાં બનેલી ઘટનાઓનું મેં લિસ્ટ બનાવ્યું છે.’ કામતે કાગળ ગોહિલ તરફ ધરતાં કહ્યું.
‘આ બધા કેસની ફાઈલો પર મેં ઉપરછલ્લી નજર ફેરવી છે… ડૉ. માજીવડેની વાતમાં દમ તો છે!’
‘એટલે?’
‘આરેના માર્ગ પર અલગ અલગ જગ્યાએ નાગરિકોનાં મૃત્યુની ઘટનાઓ બની છે. આમાં યુવાનોનો પણ સમાવેશ છે, પણ માત્ર યુનિટ સોળ આસપાસ પાંચ મહિનામાં અગિયાર જણે હાર્ટ અટેકથી જીવ ગુમાવ્યા છે… અને આ બધી ઘટનાઓ રાતે-મધરાતે જ બની છે!’
કામતે નિરીક્ષણનું તારણ કાઢ્યું હતું: ‘આ અગિયાર જણનો મેડિકલ હિસ્ટરી જોતાં માત્ર એકને જ હૃદયને લગતી સમસ્યા હતી… બાકીનાઓને હૃદયની કોઈ બીમારી નહોતી!’
કૅબિનમાં હાજર બધા ધ્યાનથી સાંભળતા હતા. કામતની વાત સાંભળતી વખતે ગોહિલના મગજમાં બીજાં ગણિત ગોઠવાઈ રહ્યાં હતાં.
‘હાલમાં જીવ ગુમાવનારાં સોહમ મામતોરા, હરલીન જુનેજા અને દામુ પાવસકરને પણ આવી કોઈ સમસ્યા હોવાનું જણાયું નથી. એમાંય હરલીન તો નિયમિત રીતે જિમ કરતી હતી અને અઠવાડિયે એક દિવસ યોગા ક્લાસમાં જતી… તેમ છતાં હાર્ટ અટેક?’
કામતે બોલવાનું બંધ કર્યું એટલે ગોહિલ કંઈ કહેવા જતો હતો, પણ વચ્ચે જ કદમે અભિપ્રાય આપ્યો: ‘સર… મને તો હજુ પણ લાગે છે કે આ ઘટનાઓ આપણા કેસથી અલગ છે!’
‘કદમ… પાંચ મહિનામાં અગિયારને હાર્ટ અટેક?’ ગોહિલના ચહેરા પર પ્રશ્નાર્થ હતો.
‘આ આકસ્મિક રીતે બનેલી ઘટનાઓ હોઈ શકે, જે યુનિટ સોળ પાસે બની છે. આ લોકો એક્સિડેન્ટનો ભોગ બન્યા છે, જ્યારે પેલી છોકરી… મંજરી સાથે તો ઘાતકીપણું થયું છે. હૃદય કાઢી લઈને તેને મારી નાખવામાં આવી છે!’
‘હું એ વિચારું છું, કદમ… કે હૃદયની બીમારી ન હોવા છતાં આ લોકોને હાર્ટ અટેક આવ્યા કઈ રીતે?’
ગોહિલ શબ્દો ગોઠવી રહ્યો હતો: ‘જંગલમાં એવું તે શું છે… આ લોકો સાથે શું બન્યું હશે કે એકાએક તેમનાં હૃદય કામ કરતાં બંધ થઈ ગયાં!’ (ક્રમશ:)