Mothers Day: સંતાનોએ માતા પર પ્રેમ વર્ષાવ્યો, Blinkit અને Swiggy Instamart રેકોર્ડ તોડ ઓર્ડર મળ્યા
નવી દિલ્હી: ગઈ કાલે 12 મેના રોજ મધર્સ ડે(Mothers day)ની ઉજવણી કરવામાં આવી હતી. ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટો અને ક્વિક કોમર્સ પ્લેટફોર્મ સ્વિગી ઇન્સ્ટામાર્ટે કસ્ટમર્સને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપીને મધર્સ ડેની ઉજવણી કરી હતી. આ બંને પ્લેટફોર્મ ફોર્મસ પર ગઈ કાલે નોંધાયેલા ઓર્ડર્સે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ બનેલા રેકોર્ડ ઓર્ડર વોલ્યુમ્સને વટાવી દીધું છે.
Zomato ના સહસ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ દીપિન્દર ગોયલે રવિવારે X પર કરેલી એક પોસ્ટમાં જણાવ્યું હતું કે “પ્રથમ વખત નવા વર્ષની પૂર્વ સંધ્યા કરતાં મધર્સ ડેના દિવસે વધુ ઓર્ડર વોલ્યુમ નોંધાયું છે.”
Zomatoની Blinkit અને Swiggy Instamart પર ચોકલેટ, ગુલાબ અને હેન્ડબેગ જેવી વસ્તુઓની માંગમાં મોટો વધારો નોંધાયો હતો.
બ્લિંકિટના ચીફ એક્ઝિક્યુટિવ અલબિંદર ઢિંડસાએ રવિવારે X પર કરેલી એક પોસ્ટમાં હેન્ડબેગના વેચાણમાં નોંધપાત્ર વધારો દર્શાવતા ચાર્ટ સાથે લખ્યું કે “મધર્સ ડે માટે અમે અમારા વિક્રેતાઓ સાથે કામ કરી શક્યા અને બ્લિંકિટ પર સમયસર હેન્ડબેગ મેળવી શક્યા તે ખુશીની વાત છે,”
બ્લિંકિટ પર સ્માર્ટવોચ, જ્વેલરી અને પરફ્યુમના વેચાણમાં પણ વધારો જોવા મળ્યો હતો. આ ઉપરાંત મધર્સ ડેના દિવસે વેલેન્ટાઇન ડે કરતાં વધુ બૂકેનું વેચાણ થયું હતું, જેનો ચાર્ટ પોસ્ટ કરતા ઢિંડસાએ લખ્યું કે “સવારથી તાજા બૂકેનું વેચાણ વધી રહ્યું છે,”
સ્વિગી ઇન્સ્ટામાર્ટના ચીફ એક્ઝિક્યુટિવ ફાની કિશનના જણાવ્યા અનુસાર, મધર્સ ડેના દિવસે તમામ શહેરોમાં સૌથી વધુ લોકપ્રિય ઓર્ડરો અલગ અલગ રહ્યા. બેંગ્લોર અને મુંબઈમાં ગુલાબ ટોચની પસંદગી હતી, જ્યારે દિલ્હીએ ચોકલેટનું વેચાણ વધુ થયું, હૈદરાબાદમાં છોડનું વેચાણ વધુ થયું, ચેન્નાઈમાં કેકના સૌથી વધુ ઓર્ડર મળ્યા અને કોલકાતામાં પરફ્યુમ સૌથી વધુ વેચાયા.
ફાની કિશને એક X પોસ્ટમાં લખ્યું “હાલના ઓર્ડરને ધ્યાનમાં રાખીને, એવું લાગે છે કે @swiggyinstamart આજે અમારા અત્યાર સુધીના સર્વોચ્ચ ઓર્ડરને હિટ કરવાના ટ્રેક પર છે; માત્ર NYE જ નહીં પણ આ વર્ષે V-Day અને હોળી જેવા પીક ડેઝને પણ વટાવી જશે.’