મિલેટ્સના લોટ પર શૂન્ય જીએસટી
નવી દિલ્હી: ધ ગુડસ એન્ડ સર્વિસિસ ટૅકસ કાઉન્સિલ મિલેટ (જાડા અનાજ) અને ૭૦ ટકા મિલેટ (બાજરો, જુવાર, રાગી) ધરાવતા લોટ પર અને લૂઝ વેચાતા લોટ પરનો જીએસટી શૂન્ય અને પ્રિ-પેકેજડ અને લેબલવાળા લોટ પર પાંચ ટકા જીએસટી રાખવા ભલામણ કરી છે. મોલાસિસ (કાકવી) પરનો જીએસટી ૨૮ ટકા પરથી ઘટાડી પાંચ ટકા કરવાની ભલામણ કરી છે. આલ્કોહોલિક લિકરના ઉત્પાદનમાં વપરાતા એકસ્ટ્રા ન્યુટ્રલ આલ્કોહોલ (ઇએનએ) ને જીએસટીમાંથી બહાર રાખવાની ભલામણ કરી છે. ઔદ્યોગિક ઉપયોગ માટેના એકસ્ટ્રા ન્યુટ્રલ આલ્કોહોલ (ઇએનએ) પર જીએસટી લાગશે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણના અધ્યક્ષપદ હેઠળ જીએસટી કાઉન્સિલની બાવનમી બેઠક શનિવારે મળી હતી. જીએસટી એપેલેટ ટ્રિબ્યુનલ (જીએસટીએટી)ના પ્રમુખની વય વધુમાં વધુ ૭૦ વર્ષ અને સભ્યોની વય વધુમાં વધુ ૬૭ વર્ષ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ પ્રમુખની વય ૬૭ વર્ષ સુધી અને સભ્યની વય ૬૫ વર્ષ સુધીની રાખવામાં આવતી હતી.
જીએસટીની બેઠક પૂરી થયા બાદ એક પ્રત્રકાર પરિષદને સંબોધન કરતા નિર્મલા સીતારમણે કહ્યું કે રાજયો ઇએનએ પર ટેક્સ લાદવા ચાહે તો લગાવી શકે છે અને જો ઇએનએને ટેકસથી મુક્ત રાખવા ચાહે તો તેમનો નિર્ણય રહેશે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં રાજ્ય કક્ષાના કેન્દ્રીય નાણાં પ્રધાન એમ.પી.પૂનિયા, વિવિધ રાજ્યોના નાણાં પ્રધાનો અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતાં.