હવે પીએમ મોદી સાથે યુક્રેનના રાષ્ટ્રપતિએ કરી વાતચીત, જાણો ક્યારે આવશે ભારત?

નવી દિલ્હી/કિવઃ ગયા અઠવાડિયા દરમિયાન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ટેલિફોનિક વાત કર્યા પછી હવે યુક્રેનના રાષ્ટ્રપતિએ પીએમ મોદી સાથે વાતચીત કરી છે, જેઓ ભારત આવશે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ તાજેતરમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોન પર વાત કરી હતી.
તેમણે આ વાતચીતની માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરીને આપી છે. આ વાતચીતમાં બંને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગ અને વૈશ્વિક કુટનીતિક સ્થિતિ પર વિસ્તારથી વિચારણા કરી. આ વાતચીત બંને દેશો વચ્ચે વધતા સંબંધો અને વર્તમાન વૈશ્વિક પડકારોને પ્રતિબિંબિત કરે છે, જેમાં યુક્રેનના યુદ્ધને લગતા મુદ્દાઓ મુખ્ય છે.
ઝેલેન્સ્કીએ પોસ્ટમાં જણાવ્યું કે તેમની અને વડા પ્રધાન મોદી વચ્ચે લાંબી અને અર્થપૂર્ણ વાતચીત થઈ હતી, જેમાં બંને દેશો વચ્ચેના સહકાર અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તેમણે યુક્રેનને આપેલા સમર્થન માટે ભારતના વડા પ્રધાન મોદીનો આભાર માન્યો હતો વધુમાં, ઝેલેન્સ્કીએ મોદીને રશિયાના તાજેતરના હુમલાઓ વિશે માહિતી આપી, ખાસ કરીને જાપોરિઝિયા વિસ્તારમાં બસ સ્ટેશન પર થયેલા હુમલાની, જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા.
રશિયા યુક્રેન યુદ્ધ અને શાંતિ પ્રયાસો
યુક્રેનિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે જ્યારે યુદ્ધને સમાપ્ત કરવાની કુટનીતિક તકો દેખાઈ રહી છે ત્યારે રશિયા માત્ર પોતાની આક્રમકતા જારી રાખવાની ઇચ્છા દર્શાવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે વડા પ્રધાન મોદીએ યુક્રેનના શાંતિ પ્રયાસોને સમર્થન આપ્યું છે. ભારત માને છે કે યુક્રેનને લગતા તમામ નિર્ણયોમાં યુક્રેનની ભાગીદારી જરૂરી છે, અન્યથા કોઈ પણ કરાર અર્થહીન અને પરિણામ વગરનો રહેશે.
બંને નેતાઓએ રશિયા વિરુદ્ધના પ્રતિબંધો પર પણ વિસ્તારથી વાત કરી. ઝેલેન્સ્કીએ રશિયાની ઊર્જા, ખાસ કરીને તેલના નિર્યાત પર પ્રતિબંધો લાદવાની જરૂરિયાત પર ભાર મૂક્યો, જેથી રશિયાની યુદ્ધને ભંડોળ પૂરું પાડવાની ક્ષમતા ઘટાડી શકાય. તેમણે કહ્યું કે દરેક નેતા જે રશિયા પર અસર કરી શકે છે તેને મોસ્કોને સ્પષ્ટ સંદેશ આપવો જોઈએ.
બંને નેતાઓએ સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વ્યક્તિગત મુલાકાત કરવા પર સહમતિ વ્યક્ત કરી. ઝેલેન્સ્કીએ વડા પ્રધાન મોદીને યુક્રેન આવવાનું આમંત્રણ આપ્યું, જ્યારે મોદીએ તેમને ભારતની મુલાકાત માટે આમંત્રિત કર્યા. બંનેએ આ અંગે સહમતિ દર્શાવી છે.