દુનિયાને તબલાની ધૂન માણવા પર મજબૂર કરનાર જગપ્રસિદ્ધ તબલા વાદક ઝાકિર હુસૈન હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેમનું 73 વર્ષની વયે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં નિધન થયું છે. તેઓ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. પ્રખ્યાત તબલા વાદક હોવા ઉપરાંત ઝાકિર હુસેન સંગીતકાર, પર્ક્યુશનિસ્ટ, સંગીત નિર્માતા અને ફિલ્મ અભિનેતા હતા. તબલા વગાડવાની કળા તેમને વારસામાં મળી હતી. 12 વર્ષની વયે જ તેમણે સોલો પરફોર્મન્સ આપ્યું હતું અને પોતાના કામથી દુનિયાભરમાં નામ રોશન કર્યું હતું.
આજકાલ તો સોશિયલ મીડિયા, કોર્પોરેટ કાર્યક્રમો વગેરેનો જમાનો છે. અનેક અમીરો પોતાના ભવ્ય મેરેજમાં ગીતસંગીતનો જલસો રાખતા હોય છે અને તેમાં જાણીતા ગાયકો, સંગીતકારો,ફિલ્મી કલાકારોને બોલાવતા હોય છે, પણ ઝાકિર હુસૈન આમાં અપવાદ હતા. તેમણે ક્યારેય ખાનગી ફંક્શન, કોર્પોરેટ પ્રોગ્રામ કે લગ્નમાં પર્ફોર્મન્સ નથી આપ્યું.
Also Read – તબલાવાદક ઝાકિર હુસૈને ફિલ્મોમાં પણ કામ કર્યું હતું
તેઓ માનતા હતા કે જે કાર્યક્રમનો એકમાત્ર હેતુ સંગીત હોય ત્યાંજ તબલાવાદન કરી શકાય. જ્યાં લોકો દારૂ પીતા હોય, મિજબાની માણતા હોય એવા સામાજિક કાર્યક્રમો સાથે સંગીત અને તબલાની ભેળસેળ ના કરી સકાય. એટલે જ તેઓએ ક્યારેય ખાનગી ફંક્શન, કોર્પોરેટ પ્રોગ્રામ કે લગ્નમાં ક્યારેયતબલા વાદન નહોતું કર્યું.
ઉસ્તાદ ઝાકિર હુસૈનને તબલા વાદનની કળા પિતા તરફથી વારસામાં મળી હતી. તેમને બાળપણથી જ કંઇક વગાડવાનો શોખ હતો. મોરના ઇંડાને કંઇ ચિતરવા ના પડે એ ન્યાયે મહાન તબલાવાદક અલ્લારખાના પુત્ર ઝાકિરનો હાથ તબલા પર એટલો ફિટ હતો કે તે તબલામાંથી જ વિવિધ વસ્તુઓ માટે ધૂન બનાવતો હતો. તેમણે તબલા વાદનને જ પોતાનું જીવન બનાવી લીધું હતું.
દેશને અને દુનિયાને બહુમુખી પ્રતિભા ધરાવતા આવા મહાન તબલા વાદકની ખોટ હંમેશા સાલશે.