યુવરાજ સિંહ, સોનુ સુદ અને રોબિન ઉથપ્પાને EDનું સમન્સ, આ મામલે થઇ રહી છે કાર્યવાહી

નવી દિલ્હી: ગત ચોમાસું સત્રમાં સંસદે પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ એક્ટ બનાવીને બેટિંગ એપ પ્રતિબંધ મુક્યો છે. એ પહેલા ઓનલાઈન બેટિંગ એપ દ્વારા કરોડો રૂપિયાની ગેરરીતિ થઈ હોવાના આરોપો લાગ્યા છે, આવી બેટિંગ એપ સાથે જોડાયેલા સેલિબ્રીટીઝ સામે પગલા ભરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં બેટિંગ એક 1xBet સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ યુવરાજ સિંહ, રોબિન ઉથપ્પા અને સોનું સુદને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે.
ED એ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહને 23 સપ્ટેમ્બરે દિલ્હી ઓફીસમાં હાજર થવા માટે સમન્સ પાઠવ્યું છે. અભિનેતા સોનુ સૂદને 24 સપ્ટેમ્બરે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે, જયારે ક્રિકેટર રોબિન ઉથપ્પાને પણ 22 સપ્ટેમ્બરે હાજર રહેવા સમન્સ પાઠવવામાં આવ્યું છે. આ કેસમાં અગાઉ સુરેશ રૈના, હરભજન સિંહ અને શિખર ધવન જેવા ક્રિકેટરો સાથે પૂછપરછ થઇ ચુકી છે.
1xBet સાથે સંબંધો બાબતે બંગાળી એક્ટર અંકુશ હાજરાની પણ પૂછપરછ કરવામાં આવી હતી. આ મામલે એજન્સીએ ભૂતપૂર્વ TMC સાંસદ મીમી ચક્રવર્તીની પણ પૂછપરછ કરી છે. અહેવાલ મુજબ ઉર્વશી રૌતેલાને પણ સમન્સ પાઠવવામાં આવ્યું છે, તે પુછપરછ માટે હાજર થશે કે નહીં એ અંગે હજુ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
1xBet એ બેટિંગ માટે ગ્લોબલ પ્લેટફોર્મ છે, બેટિંગ બિઝનેસમાં 18 વર્ષથી કાર્યરત છે. એવો આરોપ છે કે આ એપ દ્વારા ઘણા રોકાણકારો અને સામાન્ય લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી, અને મોટા પાયે ટેક્સ ચોરી કરવામાં આવી હતી.
આ પણ વાંચો…દિલ્હી AAP નેતાના ઘરે EDના દરોડા! આ કથિત કૌભાંડ મામલે કાર્યવાહી