આંધ્ર દારૂ કૌભાંડ: જગન પર ₹ 3,500 કરોડની લાંચનો આરોપ, 305 પાનાની ચાર્જશીટ દાખલ…

અમરાવતીઃ આંધ્ર પ્રદેશ પોલીસે 3,500 કરોડ રૂપિયાના કથિત દારૂ કૌભાંડ મામલામાં એક સ્થાનિક કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડી પર દર મહિને સરેરાશ 50થી 60 કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. 305 પાનાની ચાર્જશીટ શનિવારે દાખલ કરવામાં આવી છે, પરંતુ તેમાં જગનનું નામ આરોપી તરીકે રાખવામાં આવ્યું નથી.
ચાર્જશીટમાં જણાવાયું છે કે આ રકમ પહેલા કેસિરેડ્ડી રાજશેખર રેડ્ડી (આરોપી નંબર 1) ને સોંપવામાં આવી હતી. પછી આ રકમ વિજય સાઈ રેડ્ડી (આરોપી નંબર 5), મિધુન રેડ્ડી (આરોપી નંબર 4) અને બાલાજી (આરોપી નંબર 33)ને આપવામાં આવતી હતી, જેમણે અંતે તે રકમ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડી સુધી પહોંચાડતા હતા. દર મહિને સરેરાશ 50-60 કરોડ રૂપિયા એકઠા કરવામાં આવતા હતા. આ વાત એક સાક્ષીના નિવેદનથી પણ સાબિત થઈ છે.
તેમાં એવો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો કે રાજશેખર રેડ્ડી સમગ્ર કૌભાંડનો ‘માસ્ટરમાઇન્ડ અને સહ-કાવતરાખોર’ હતો. તેણે એક્સાઇઝ પોલિસી બદલી અને ઓર્ડર ફોર સપ્લાય (ઓએફએસ) ની ઓટોમેટિક સિસ્ટમને હટાવીને મેન્યુઅલ પ્રક્રિયા લાગુ કરી હતી. તેણે આંધ્ર પ્રદેશ સ્ટેટ બેવરેજીસ કોર્પોરેશન લિમિટેડમાં તેના વિશ્વાસુ લોકોની નિમણૂક પણ કરી હતી.
રાજશેખર રેડ્ડીએ કથિત રીતે નકલી ડિસ્ટિલરી બનાવી અને બાલાજી ગોવિંદપ્પા નામના આરોપી મારફતે જગનને લાંચ પહોંચાડી હતી. ણે ભૂતપૂર્વ ધારાસભ્ય ચેવિરેડ્ડી ભાસ્કર રેડ્ડી સાથે મળીને ચૂંટણીમાં વાયએસઆરસીપીને 250થી 300 કરોડ રૂપિયા રોકડા આપ્યા હતા. આ રકમ 30થી વધુ નકલી કંપનીઓ દ્વારા લોન્ડર કરવામાં આવી હતી અને વિદેશમાં જમીન, સોના અને મોંઘી મિલકતોમાં રોકાણ કરવામાં આવ્યું હતું. કેટલાક રોકાણ દુબઈ અને આફ્રિકામાં પણ કરવામાં આવ્યા હતા.
પોલીસનો દાવો છે કે વાયએસઆરસીપી સરકાર દરમિયાન આરોપીઓએ બજારમાં નવી દારૂ બ્રાન્ડ્સ રજૂ કરી હતી જેથી તેઓ સપ્લાય અને વેચાણ પર સંપૂર્ણ નિયંત્રણ રાખી શકે અને 2019થી 2024 દરમિયાન જંગી કમિશન વસૂલતા હતા. ચાર્જશીટમાં જણાવાયું છે કે, “આરોપીઓએ મળીને એક્સાઇઝ નીતિ અને તેની પ્રક્રિયામાં ફેરફાર કર્યો જેથી તેઓ ભારે કમિશન મેળવી શકે.
આ કમિશનનો મોટા ભાગનો ભાગ રોકડ અને સોનાના રૂપમાં લેવામાં આવ્યો હતો.” તપાસ દરમિયાન એ પણ બહાર આવ્યું કે આરોપીઓએ જાણી જોઈને તે બ્રાન્ડ્સ/ડિસ્ટિલરીઓને ઓએફએસ મંજૂર કર્યા ન હતા જે લાંચ આપતા ન હતા. આ કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે શનિવારે વાયએસઆરસીપી લોકસભા સાંસદ પીવી મિધુન રેડ્ડીની પૂછપરછ બાદ ધરપકડ કરી હતી. મે મહિનામાં શરૂઆતમાં ઈડીએ દારૂ કૌભાંડના સંદર્ભમાં મની લોન્ડરિંગનો કેસ પણ નોંધ્યો હતો.
આ પણ વાંચો…EDની આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન જગન રેડ્ડી સામે કાર્યવાહી, 800 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત