’10 રૂપિયા કા બિસ્કુટ…’થી જાણીતા યુટ્યુબરની પોલીસે કરી ધરપકડ, એક વીડિયોને લઈને નોંધાયો ગુનો

મેરઠ: 10 રૂપિયે કા બિસ્કુટ કિતને કા હૈ! આ વાક્ય તમે સોશિયલ મીડિયા પર સાંભળ્યું હશે અને હસવું પણ આવી ગયું હશે. શાદાબ જકાતી નામના યુટ્યુબરે આ વાક્યનો ઉપયોગ કરીને અનેક રીલ બનાવીને સોશિયલ મીડિયા યુઝર્સનું મનોરંજન કર્યું છે. પરંતુ તાજેતરમાં શાદાબ જકાતીની ધરપકડ કરવામાં આવી છે. શાદાબ પર કયો કેસ નોંધવામાં આવ્યો છે, આવો જાણીએ.
શાદાબ જાકાતી વિરૂદ્ધ કોણે કરી ફરિયાદ
મેરઠના યુટ્યુબર શાદાબ જાકાતીની ઇંચોલી પોલીસે ધરપકડ કરી છે. શાદાબ જાકાતીના એક વાયરલ વીડિયોને લઈને સામાજિક કાર્યકર્તા રાહુલે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગમાં ફરિયાદ દાખલ કરી હતી. શાદાબ જકાતી પર એક વીડિયોમાં બાળકીનો ઉપયોગ કરીને અશ્લીલ કંટેન્ટ બનાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ફરિયાદને લઈને રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે પોલીસને યોગ્ય કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.
રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના આદેશને પગલે ઇંચોલી પોલીસે શાદાબ જકાતી વિરૂદ્ધ BNSS 170 હેઠળ કેસ દાખલ કર્યો છે. કેસ દાખલ થયા બાદ પોલીસ દ્વારા શાદાબ જકાતીની ધરપકડ કરવામાં આવી છે.
શાદાબ જકાતીના વાયરલ વીડિયોમાં શું હતું
વાયરલ વીડિયોમાં શાદાબ જકાતી એક દુકાનદાર બન્યો હતો. વીડિયોમાં એક બાળકી દુકાને આવે છે. વીડિયોમાં બંને વચ્ચે વાતચીત થાય છે. આ વીડિયો દરમિયાન બાળકી પાસે એવો અભિનય કરાવવામાં આવ્યો છે, જે અશ્લીલ અને અયોગ્ય કહી શકાય તેવો છે.
ઉલ્લેખનીય છે કે, ધરપકડ કર્યા બાદ ઇંચોલી પોલીસ દ્વારા શાદાબ જકાતીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. શાદાબ જકાતીએ પોતાના બચાવમાં કોર્ટને જણાવ્યું હતું કે, મારો કોઈ ખોટા ઇરાદો ન હતો. વીડિયોમાં મેં બાળકીના વખાણ કર્યા હતા. વીડિયોમાં હું એટલું જ બોલ્યો છું કે, “બાળકી આટલી પ્રેમાળ અને સુંદર છે અને તેની મા પણ એટલી જ સંદર હશે.”
શાદાબ જકાતીએ આગળ જણાવ્યું કે, મેં સમજી વિચારીને વીડિયો પોસ્ટ કર્યો હતો. પરંતુ પછી મેં તેને ડિલીટ પણ કરી દીધો છે. જો મારા વીડિયોથી કોઈની લાગણી દુભાઈ છે અથવા કોઈ મુશ્કેલી ઊભી થઈ હોય તો હું માફી માગું છું. જોકે, ફરિયાદી રાહુલનું કહેવું છે કે, બાળકીઓના દૂરઉપયોગ પર કડક કાર્યવાહી થવી જોઈએ.
આ પણ વાંચો…યુઝર-જનરેટેડ સોશિયલ મીડિયા કન્ટેન્ટ લાગશે નિયંત્રણ! સુપ્રીમ કોર્ટ કેન્દ્રને આપ્યા નિર્દેશ



