યુટ્યુબરને રેલ્વે ટ્રેક સાથે સ્ટંટ કરવો પડ્યો ભારે: રેલ્વે સુરક્ષા દળે કરી ધરપકડ

નવી દિલ્હી: રેલવે સુરક્ષા દળ દ્વારા બેદરકારી ભર્યા વર્તન સામે કળા કાર્યવાહી કરી છે. પોતાની પબ્લીસીટી માટે રેલ્વે ટ્રેકને નુકસાન પહોંચાડીને જાહેર સુરક્ષા પર ખતરો ઉભો કરવા બદલ એક યુટ્યુબરની ધરપકડ કરવામાં આવી છે.
ટ્વિટર પર એક વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ રેલવે ટ્રેક પર વિવિધ વસ્તુઓ મૂકતો જોવા મળ્યો હતો, જેથી તાત્કાલિક તપાસ શરૂ કરવાના આદેશ આપ્યા હતાં અને આરોપી ગુલઝાર શેખે તેની યુટ્યુબ ચેનલ પર 250 થી વધુ વીડિયો અપલોડ કર્યા છે અને તેના 2 લાખથી વધુ સબસ્ક્રાઈબર્સ છે. તેની ઓન-કેમેરા પ્રવૃત્તિઓએ રેલ્વે સુરક્ષા અને કામગીરી બંને માટે મોટું જોખમ ઊભું કર્યું હતું.
શેખની યુટ્યુબ ચેનલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું વિશ્લેષણ કર્યા બાદ RPF ઉત્તર રેલવેએ ગુરુવારના રોજ રેલવે એક્ટની વિવિધ જોગવાઈઓ હેઠળ ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ RPF અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમે ગુલઝાર શેખ અને તેના પુત્ર સૈયદ અહમદની ઉત્તર પ્રદેશના ખંડરૌલી ગામથી તેનાં ઘરેથી ધરપકડ કરી લેવામાં આવી હતી.
રેલ્વે સુરક્ષા ફોર્સ લખનૌ મંડળ દ્વારા કરવામાં આવેલી તાત્કાલિક અને અસરકારક કામગીરી બદલ RPFના મહાનિર્દેશકે પ્રસંશા કરતાં કહ્યુ હતું કે ગુલઝાર શેખ સામે કરવામાં આવેલી કામગીરી ભારતિય રેલ્વે સુરક્ષા સાથે છેડછાડ કરનારા લોકો સામે એક દાખલો બેસાડશે. તેમણે કહ્યુ હતું કે રેલ્વેની સુરક્ષાને ખલેલ પહોંચાડવાના કોઈપણ પ્રયાસની અને આ પ્રકારની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.