હરિયાણાની મહિલા યૂટ્યૂબરની કેમ થઈ ધરપકડ? જાણો શું છે મામલો…

નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલતા સંઘર્ષ દરમિયાન કેટલાક લોકોએ વાંધાજનક પોસ્ટ કરી હતી. આવા લોકો સામે દેશમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. હરિયાણાના જાણીતા ટ્રાવેલ બ્લૉગર અને યૂટ્યૂબર જ્યોતિ મલ્હોત્રાને દેશ વિરોધી ગતિવિધિ તથા પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી સાથેના સંબંધમાં ધરપકડ કરવામા આવી છે. તે ટ્રાવેલ વિથ જો નામની યૂટ્યૂબ ચેનલ ચલાવે છે અને પાકિસ્તાનની મુલાકાત દરમિયાન ત્યાંની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના એજન્ટ સાથે સંપર્કમાં આવી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

વર્ષ 2023માં જ્યોતિ મલ્હોત્રાએ પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. આ યાત્રા દરમિયાન તેની મુલાકાત પાકિસ્તાન હાઈ કમિશનના કર્મચારી અહેસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશ સાથે થઈ હતી. તેની સાથે સંબંધો ગાઢ બન્યા હતા. દાનિશના માધ્યમથી જ્યોતિની ઓળખ પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના અન્ય એજન્ટ્સ સાથે કરાવી હતી. તેમાં અલી અહસાન અને શાકિર ઉર્ફે રાણા શહબાઝ સામેલ હતા.
જ્યોતિ આ એજન્ટ્સ સાથે વૉટ્સએપ, ટેલીગ્રામ અને સ્નેપચેટ જેવા પ્લેટફોર્મથી સંપર્કમાં હતી. તે પાકિસ્તાનની તરફેણમાં સોશિયલ મીડિયા પર પોઝિટિવ છબી બનાવતી હતી પરંતુ સંવેદનશીલ જાણકારી પણ શેર કરતી હતી. ગુપ્તચર એજન્સીની સૂચના બાદ ધરપકડ કરવામાં આવેલા છ લોકો પૈકીની એક છે. જ્યોતિની દાનિશ અને તેના સહયોગી અલી અહસાનના માધ્યમથી પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓ સાથે મુલાકાત કરાવવામાં આવી હતી. તાજેતરમાં તે ઈન્ડોનેશિયાના બાલી પણ ગઈ હતી. જ્યોતિએ ભારતની સંવેદનશીલ જાણકારી શેર કરી હતી અને દિલ્હીમાં રહેતી હતી તે સમયે પીએચસી હેન્ડલર દાનિશના સંપર્કમાં પણ હતી.
દાનિશ જાસૂસીમાં સામેલ હોવાના કારણે 13 મે, 2025ના રોજ ભારત સરકારે તેને દેશ છોડવાનો આદેશ કર્યો હતો. જ્યોતિને સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાનની સકારાત્મક છબી રજૂ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. પાકિસ્તાન તેનો ઉપયોગ ભારત સામે અપ્રચાર અને જાસૂસી ગતિવિધિમાં કરતું હતું. આ મામલો માત્ર જ્યોતિ પૂરતો જ મર્યાદીત નહોતો. પરંતુ એક મોટા નેટવર્કનો પણ પર્દાફાશ થયો હતો. જેમાં પંજાબ અને હરિયાણાના અનેક લોકો સામેલ છે. આ તમામ આરોપી પાકિસ્તાની એજન્ટ્સ સાથે સંપર્કમાં હતા અથવા તેમની સાથે નાણાકીય લેણદેણનું માધ્યમ બન્યા હતા.
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે ભારતીય સૈન્ય દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર દરમિયાન સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી, નકારાત્મક અને સૈન્યનું મનોબળ તોડનારી પોસ્ટ કરનાર 14 વ્યક્તિઓ સામે ગુજરાત પોલીસે ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ખેડા જિલ્લામાં 2, ભૂજમાં 2 FIR ઉપરાંત જામનગર, જુનાગઢ, વાપી, બનાસકાંઠા, આણંદ, અમદાવાદ, સુરત શહેર, વડોદરા, પાટણ અને ગોધરા જિલ્લામાં એક-એક મળી કુલ 24 FIR દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવી હતી.