શિવ મંદિર સામે માંસ વેચવાનો વિરોધ કરનાર યુવકની થઈ હત્યા, વિધર્મી પિતા-પુત્રની કરાઈ ધરપકડ

દમોહ: ઉત્તર ભારતમાં પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે. આ મહિના દરમિયાન હિંદુ સનાતન ધર્મના લોકો માંસાહાર કરવાનું ટાળતા હોય છે. શ્રાવણ મહિનામાં કેટલાક લોકો સ્વેચ્છાએ પોતાની માંસ વેચવાની દુકાન બંધ રાખતા હોય છે. ત્યારે મધ્ય પ્રદેશમાં શિવ મંદિરની સામે માંસ વેચવાનો વિરોધ કરનાર વ્યક્તિની હત્યાની ઘટના સામે આવી છે.
મંદિર સામે માંસ વેચવાનો વિરોધ
મીડિયા અહેવાલો પાસેેથી મળતી માહિતી મુજબ દમોહના અજમેરી ગાર્ડન પાસે એક પ્રાચીન શિવ મંદિર છે, જ્યાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પૂજા કરવા આવે છે. નાસિર ખાન અને તેના દીકરા અકીલે મંદિરની સામે ગેરકાયદેસર રીતે એક ઘર બનાવ્યું હતું. છેલ્લા ત્રણ વર્ષથી તેઓ ત્યાં માંસની દુકાન ચલાવી રહ્યા હતા. મંદિરની સામે માંસ કાપીને ખુલ્લેઆમ વેચાવાને કારણે સ્થાનિકો રોષે ભરાયા હતા. શહેરના પઠાણી મહોલ્લાનો રહેવાસી રાકેશ રાયકવાર ઉર્ફે રક્કેએ તેનો વિરોધ કર્યો હતો અને ઘણીવાર વહીવટીતંત્રને ફરિયાદ પણ કરી હતી. શુક્રવારે આ મુદ્દે ફરી એકવાર ચર્ચા થઈ હતી.
આ પણ વાંચો: ઘરકંકાસનો કરુણ અંજામ: મેટ્રીમોનિયલ સાઇટ પરથી મળેલા પતિએ પત્નીની હત્યા કરી લાશ ફેંકી!
કાર દ્વારા કચડીને કરાઈ રાકેશની હત્યા
શુક્રવારની સાંજે રાકેશ રાયકવાર તેની બીમાર માતા નાનીબાઈને ડૉક્ટર પાસે લઈ જઈ રહ્યો હતો. રસ્તામાં અજમેરી ગાર્ડન પાસે એક કાર ટક્કર મારતી રાકેશ રાયકવાર પર ચઢી ગઈ હતી. માતાની નજર સામે જ પુત્રનું કચડીને મોત નીપજ્યું હતું. પ્રત્યક્ષદર્શીઓ અને મૃતકની માતાના જણાવ્યા અનુસાર, આ માત્ર એક માર્ગ અકસ્માત નહોતો પરંતુ એક સુનિયોજિત હત્યા હતી. મૃતકની માતા નાનીબાઈ રાયકવારે મીડિયાને જણાવ્યું હતું કે, “કાર અકીલ ખાન ચલાવી રહ્યો હતો અને તેના પિતા નાસીર ખાને તેને મારવાનો ઈશારો કર્યો હતો. કાર દ્વારા કચડાવાડાથી તેનું મોત થયું હતું.”
અકીલ અને નાસિર ખાનની થઈ ધરપકડ
મૃતકની માતાની ફરિયાદ પર અકીલ અને નાસિર ખાન વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને કાર પણ જપ્ત કરવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ દ્વારા ઘટનાની પુષ્ટિ પણ કરી છે. ઉપરાંત, મંદિર સામે બંને આરોપીઓ દ્વારા કરવામાં આવતા માંસ વેચાણ અને ગેરકાયદેસર કબજાની તપાસ પણ શરૂ કરી છે. હાલમાં, વિસ્તારમાં ભારે પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે, જેથી બંને સમુદાયો વચ્ચે કોઈ અનિચ્છનીય ઘટના ન બને.