ડિલીવરી બોયનું કામ યુવાનો માટે તક કે ફંદો? ગિગ ઇકોનોમી પર આ વ્યક્તિએ ઉઠાવ્યો સવાલ | મુંબઈ સમાચાર
નેશનલ

ડિલીવરી બોયનું કામ યુવાનો માટે તક કે ફંદો? ગિગ ઇકોનોમી પર આ વ્યક્તિએ ઉઠાવ્યો સવાલ

નવી દિલ્હી: આજના સમયમાં ઘણા યુવાનો સ્વિગી, ઝોમેટો જેવા ઘણા ડિજિટલ પ્લેટફોર્મ માટે ડિલીવરી બોયનું કામ કરી રહ્યા છે. જેઓને ગિગ વર્કર્સ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ શું ભારતમાં ગિગ ઇકોનોમી યુવાનોને સાચી તકો આપી રહી છે કે ફક્ત તેમને વ્યસ્ત રાખી રહી છે? આ પ્રશ્ન Groweasy.aiના સ્થાપક તેજ પંડ્યાએ ઉઠાવ્યો છે.

યુવકોનો આત્મવિશ્વાસ ઓછો થયો

તેજ પંડ્યાના મતે આ ‘તક જેવો દેખાતો એક ફંદો’ છે. તેજ પંડ્યાએ LinkedIn પર એક પોસ્ટમાં પોતાનો અનુભવ શેર કરીને ગિગ વર્કર્સની પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. તેજ પંડ્યાએ જણાવ્યું કે “મેં એક સર્વિસ પ્લેટફોર્મ પરથી ઘરકામ માટે એક 26 વર્ષીય હેલ્પરને બોલાવ્યો હતો. આ યુવક પહેલા ફૂડ ડિલિવરીનું કામ કરતો હતો અને હવે ઘરકામ કરીને મહિને ₹36,000 કમાય છે.” પંડ્યાએ આગળ લખ્યું કે “તે યુવકનો આત્મવિશ્વાસ ઓછો થઈ ગયો હતો, આ જોઈને મને દુઃખ થયું.”

આ પણ વાંચો: ઓનલાઇન ઓર્ડર કરતા આટલું વાંચી લો! નોઇડામાં ડિલીવરી બોયે મહિલા સાથે આચર્યું દુષ્કર્મ

યુવાનો સેવા પૂરી પાડવામાં વ્યસ્ત રહે છે

તેમણે કહ્યું કે વેન્ચર કેપિટલના ભંડોળથી હવે એવી સેવાઓ વધી રહી છે જે યુવાનોને શહેરી ઉચ્ચ મધ્યમ વર્ગના ઘરોમાં કામ કરવા માટે નોકરીઓ આપી રહી છે. આને આપણે ‘ગિગ ઇકોનોમી’ કહીએ છીએ, પરંતુ વાસ્તવમાં આ એક ફંદો છે જે તક જેવો લાગે છે.

પંડ્યાએ ભારતના વિકાસ મોડેલ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, “દેશમાં યુવા બેરોજગારી 17% કરતાં વધુ છે અને છેલ્લાં દસ વર્ષથી વાસ્તવિક પગાર સ્થિર છે. કોઈ પણ દેશ ત્યારે જ પ્રગતિ કરી શકે જ્યારે તેના યુવાનો કંઈક નવું બનાવવાને બદલે માત્ર સેવાઓ પૂરી પાડવામાં વ્યસ્ત ન રહે.”

આ પણ વાંચો: ડિલીવરી બોયે ગ્રાહકને ફૂડની સાથે આ વસ્તુ પણ ઓફર કરી

તેજ પંડ્યાએ નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગસાહસિકોને વિચારવા કહ્યું કે, “શું ભારત ખરેખર એવી નોકરીઓ બનાવી રહ્યું છે જે ‘કરવા યોગ્ય’ છે, અથવા ફક્ત એવી નોકરીઓ જે લોકોને વ્યસ્ત રાખે છે.” ગિગ વર્કર્સને લઈને કરેલી તેજ પંડ્યાની પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button