મને સોનિયા અમ્મા કહીને તમે લોકોએ… તેલંગણામાં સોનિયા ગાંધીએ જનતાનો માન્યો આભાર
“હું તેલંગાણાના ભાઇઓ-બહેનો, દીકરા-દીકરીઓને કોંગ્રેસને વોટ આપવા વિનંતી કરું છું. તમે સૌ લોકોએ મને અમ્મા કહીને ખૂબ સન્માન આપ્યું છે જે માટે હું કાયમ તમારી આભારી રહીશ..” આવું કહીને કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ તેલંગાણામાં જનતા વચ્ચે જઇને મતની અપીલ કરી હતી.
કેન્દ્રમાં UPA સરકાર વખતે વર્ષ 2014માં તેલંગાણા અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું, જેને યાદ કરી સોનિયા ગાંધીએ તેલંગાણાની પ્રજાને કોંગ્રેસે આપેલું વચન પાળવામાં આવ્યું છે તેવું નિવેદન તેમના ભાષણમાં આપ્યું હતું. “હું પ્રચાર માટે આવી શકી નથી, પરંતુ તમે સૌ મારા હૃદયની ખૂબ નજીક છો.” તેવું સોનિયા ગાંધીએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વર્ષ 2014માં તેલંગાણા રાજ્યની રચના પાછળ સોનિયા ગાંધીએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
અલગ તેલંગાણા રાજ્ય માટે દાયકાઓ સુધી ચાલેલા આંદોલનનું નેતૃત્વ કે ચંદ્રશેખર રાવ દ્વારા કરવામાં આવ્યું હતું, જેઓ રાજ્યની રચના થયા બાદ તેના પહેલા મુખ્યપ્રધાન બન્યા હતા. 2 વખત રાજ્યનું નેતૃત્વ કરવાનો મોકો મળ્યા બાદ કે.સીઆર સતત ત્રીજી વાર સત્તાસ્થાને બિરાજમાન થવાની આશા રાખી રહ્યા છે.
પાડોશી રાજ્ય કર્ણાટકમાં ભવ્ય જીત મેળવ્યા બાદ કોંગ્રેસે મહિલાઓ, ખેડૂતો, યુવાનો, વૃદ્ધો લગભગ તમામ લોકો માટે અલગ અલગ પ્રકારની યોજનાઓની જાહેરાત તેના મેનીફેસ્ટોમાં કરી છે. તેલંગાણાની ચૂંટણીમાં સત્તારૂઢ બીઆરએસ પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય મુકાબલો જોવા મળી રહ્યો છે, એવામાં તેલંગાણાની વિધાનસભાની ચૂંટણી વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલા INDIA ગઠબંધન માટે લિટમસ ટેસ્ટ તરીકે કામ કરશે.
દિલ્હીમાં હવાની ગુણવત્તા સુધરે ત્યાં સુધી કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી થોડા સમય માટે જયપુર શિફ્ટ થયા છે. તેઓ શ્વાસને લગતી બિમારીઓથી પીડાય છે અને ડૉક્ટરોએ તેમને એવી જગ્યાએ જવાની સલાહ આપી છે જ્યાં હવાની ગુણવત્તા સારી હોય.
થોડા સમય પહેલા સોનિયા ગાંધીની તબિયત લથડતા તેમને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને એક દિવસ પછી તેમને રજા આપવામાં આવી હતી. શ્વાસને લગતી સમસ્યાઓના કારણે તેમને ગત વર્ષે જાન્યુઆરીમાં હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા.