હવે યોગી સરકાર હલાલ સર્ટિફિકેશન પર લગાવશે પ્રતિબંધ…
લખનઉ: ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર હલાલ સર્ટિફિકેશન સંબંધિત ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ મૂકી શકે છે. કેટલીક કંપનીઓ હલાલ સર્ટિફિકેશનના નામે પોતાનો ધંધો ચલાવી રહી હતી. હાલમાં ડેરી, કાપડ, ખાંડ, નાસ્તો, મસાલા અને સાબુ વગેરે જેવા ઉત્પાદનોને હલાલ તરીકે પ્રમાણિત કર્યા બાદ કંપનીઓ વેચતી હતી. હવે આ મામલો મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના ધ્યાન પર આવતા ઉત્તર પ્રદેશ સરકાર હલાલ સર્ટિફિકેશનને લઈને કડક નિયમો બનાવવા જઈ રહી છે.
નોંધનીય છે કે શ્રાવણ માસમાં હલાલ-પ્રમાણિત ચાને લઈને એક મુસાફર અને ભારતીય રેલવેના અધિકારી વચ્ચે ઉગ્ર દલીલનો વીડિયો વાઇરલ થયો હતો. ત્યારબાદ હલાલ સર્ટિફિકેશન વિશે મિડીયામાં ચર્ચાઓ થવા લાગી હતી. મુસાફરે શ્રાવણ માસ ચાલતો હોવાના કારણે હલાલ સર્ટિફાઇડ કોઇપણ ઉત્પાદન વાપરવાનો ઈનકાર કર્યો હતો. જો કે વિવાદ એ બાબતને લઈને હતો કે પેકેટ પર હલાલ લખેલું હતું.
હલાલ સર્ટિફિકેટ વાળા ઉત્પાદનો વેચતી કંપનીઓ વિરુદ્ધ હઝરતગંજ કોતવાલીમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. શૈલેન્દ્ર શર્મા નામના વ્યક્તિની ફરિયાદ પર હલાલ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ ચેન્નઈ, જમીયત ઉલેમા હિંદ હલાલ ટ્રસ્ટ દિલ્હી, હલાલા કાઉન્સિલ ઑફ ઈન્ડિયા મુંબઈ અને જમિયત ઉલેમા મહારાષ્ટ્ર મુંબઈએ હલાલ સર્ટીફાઇડ કરીને માલ વેચતી હતી તેમજ બીજી અજાણી કંપનીઓ સામે આઈપીસી કલમ 120b/ 153a/ 298, 384, 420 નોંધી છે. પ્રમાણપત્ર. કલમ 467, 468, 471, 505માં કેસ નોંધવામાં આવ્યો છે. કારણકે ભારતમાં કોઈ પણ સરકારી સંસ્થા હલાલ લખ્યું હોય તેવું કોઈ પ્રમાણપત્ર આપતી નથી.
ઉત્તર પ્રદેશમાં ફાઇવ સ્ટાર હોટલ પાસે પણ હલાલ પ્રમાણપત્ર હોય છે, જે ખાતરી કરે છે કે પીરસવામાં આવતું માંસ હલાલ છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ પણ આ સર્ટિફિકેટ સાથે કામ કરે છે, પરંતુ મહત્વની વાત એ છે કે આપણા દેશમાં આ સર્ટિફિકેટ સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત નથી.
ભારતમાં વિવિધ માલસામાન માટે વિવિધ પ્રમાણપત્રોની જોગવાઈ છે જે તેમની ગુણવત્તાને સુનિશ્ચિત કરે છે. જેમ કે ઔદ્યોગિક માલસામાન માટે ISI માર્કો, કૃષિ ઉત્પાદનો માટે એગમાર્ક, જામ જેવા પ્રોસેસ્ડ ફળ ઉત્પાદનો, અથાણાં માટે FPO, સોના માટે હોલમાર્ક જેવા માર્કા માટે પ્રમાણપત્ર ભારત સરકાર આપે છે. પરંતુ ભારત સરકાર હલાલ પ્રમાણપત્ર આપતી નથી. ભારતમાં અત્યારે હલાલ પ્રમાણપત્ર હલાલ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, હલાલ સર્ટિફિકેશન સર્વિસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, જમિયત ઉલેમા-એ-હિંદ હલાલ ટ્રસ્ટ જેવી કેટલીક ખાનગી સંસ્થાઓ દ્વારા આપવામાં આવે છે. તેમના પર લગામ લગાવવાની તૈયારીઓ ચાલી રહી છે.