ગોરખપુરની એ હિંસા અને યોગી આદિત્યનાથનું સંસદમાં રૂદનઃ ફિલ્મમાં આ સિન કેવો ભજવાયો…

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની સામાન્ય યુવાનથી ત્યાગી અને ત્યાગીથી સીએમ બનવાની સફરને અજેય ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી નામની બાયોપિક ફિલ્મમાં બતાવવામાં આવી છે. આ ફિલ્મને થિયેટરોમાં ખાસ કોઈ સારો રિસ્પોન્સ મળ્યો નથી, પરંતુ ફિલ્મનો એક સિન અને તે સાથે જોડાયેલી આ ઘટના ફરી ચર્ચામાં આવી છે.
આ સિન રિયલ લાઈફમાં 2007માં સંસદમાં ભજવાયો હતો, જ્યારે ગોરખપુરના સાંસદ તરીકે યોગી આદિત્ય નાથ ભરી લોકસભામાં ધ્રુસકે ધ્રુસકે રડ્યા હતા. આ ઑરિજિનલ વીડિયો આજે પણ યુ ટ્યૂબ પર અવેલેબલ છે અને હવે ઘણા ફિલ્મના સિન સાથે તેને સરખાવી રહ્યા છે. ફિલ્મ જોનારાનું માનવાનું છે કે અભિનેતા અનંત જોશી એ દર્દ લાવી શક્યા નથી જે તે સમયે યોગીએ વ્યક્ત કર્યું હતું.
તેમની વાત સાચી હોય પણ શકે કારણ કે યોગી તે સમયે સાંસદ હોવા છતાં 11 દિવસ જેલમાં રહીને આવ્યા હતા અને તેથી તેમનું દર્દ લોકસભામાં છલકાઈ ગયું હતું. તેમણે લોકસભામાં કહ્યું હતું કે મેં સેવા માટે ઘરનો ત્યાગ કર્યો, મા-બાપ છોડ્યા અને મારી સાથે અપરાધી જેવો વ્યવહાર થઈ રહ્યો છે.
શું હતો ગોરખપુર હિંસાનો કેસ
27 જાન્યુઆરી, 2007માં ગોરખપુરમાં મોહરમના દિવસે હિંસા ફાટી હતી. અહીં એક હિન્દુ યુવકની મામૂલી બાબતે કરપીણ હત્યા થઈ હતી, પરંતુ મોહરમ હોવાથી અને જુલુસ નિકળતું હોવાથી આ સમગ્ર ઘટનાએ કોમી રમખાણોનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ સમયે યોગી આદિત્યનાથ કુશીનગરમાં હતા અને તેમણે આ રમખાણો વિરુદ્ધ ધરણાની જાહેરાત કરી હતી.
આ ધરણા કરવા તેઓ ગોરખપુરમાં પ્રવેશ કરે તે પહેલા જ તેમની ભડકાઉ ભાષણ આપવા બદલ તત્કાલીન મુલાયમ સરકારના કાર્યકાળમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને 11 દિવસ જેલમાં રાખવામાં આવ્યા હતા. જેલમાંથી મુક્ત થયા બાદ જ્યારે માર્ચ મહિનામાં સંસદનું સત્ર મળ્યું ત્યારે યોગીએ રડતા રડતા તેમની પીડા કહી હતી. આ ઘટના ચર્ચાનો વિષય બની હતી. જોકે આ ઘટના બાદ યોગી હિન્દુત્વવાદી નેતા તરીકે પ્રસ્થાપિત થયા હતા. આ ઘટનાનો આરોપી મોહંમદ શમીમ પછીથી પકડાયો હતો અને તેને ઉંમરકેદની સજા મળી હતી.
આ પણ વાંચો…બોમ્બે હાઈકોર્ટના ન્યાયધીશો યોગી આદિત્યનાથની બાયોપિક જોશે! જાણો શું છે વિવાદ