સંભલ મસ્જિદના વિવાદ મુદ્દે યોગી આદિત્યનાથે આપ્યું મોટું નિવેદન, એ અસ્વીકાર્ય…

લખનઉઃ સંભલ મસ્જિદ વિવાદ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આજે મોટું નિવેદન આપ્યું હતું. કોઇની આસ્થા બળજબરીથી છીનવી લેવી અને તેમની માન્યતાઓને કચડી નાખવી એ ‘અસ્વીકાર્ય’ છે, ખાસ કરીને ‘જ્યારે આપણે સંભલ વિશે સત્ય જાણીએ છીએ’ જે ઇસ્લામ પહેલાનું છે, જ્યાં ૧૫૨૬માં વિષ્ણુ મંદિરનો નાશ કરવામાં આવ્યો હતો, એમ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યું હતું.
મુખ્ય પ્રધાન આદિત્યનાથે જણાવ્યું કે સંભલનો ઉલ્લેખ ૫૦૦૦ વર્ષ જૂના શાસ્ત્રોમાં છે. તેમાં ભગવાન વિષ્ણુના ભાવિ અવતારનો ઉલ્લેખ છે. બીજી બાજુ ઇસ્લામનો ઉદય માત્ર ૧૪૦૦ વર્ષ પહેલાં થયો હતો. હું એની વાત કરી રહ્યો છું જે ઇસ્લામ કરતાં ઓછામાં ઓછા ૨૦૦૦ વર્ષ જૂનું છે.
આપણ વાંચો: ‘વિપક્ષ બાળકોને કઠ્ઠમુલ્લા અને મૌલવી બનાવવા ઈચ્છે છે’ યોગી આદિત્યનાથે વિધાનસભામાં આવું કેમ કહ્યું?
તેમણે કહ્યું કે આ બાબતોના પુરાવા સદીઓથી અસ્તિત્વમાં છે. યાદ કરો ૧૫૨૬માં સંભલમાં ભગવાન વિષ્ણુનું મંદિર તોડી પાડવામાં આવ્યું હતું. બે વર્ષ પછી ૧૫૨૮માં અયોધ્યામાં રામ મંદિરનો નાશ કરવામાં આવ્યો હતો.
લખનઉમાં આરએસએસ સાથે જોડાયેલ સાપ્તાહિક મેગેઝિન ઓર્ગેનાઇઝર દ્વારા આયોજિત ‘મંથનઃ કુંભ એન્ડ બિયોન્ડ’ કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે બંને કૃત્યો એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા નવેમ્બરથી સંભલમાં કોર્ટે એક મસ્જિદનો સર્વે કરવાનો આદેશ આપ્યા બાદથી તણાવ વધી રહ્યો છે. આ અંગે કેટલાક લોકોનું માનવું છે કે આ જગ્યા એક તોડી પાડવામાં આવેલા મંદિરની છે.