યોગી આદિત્યનાથે બે અર્જુન પુરસ્કાર વિજેતાઓને કહ્યું, ‘તમે રાજ્યના ગૌરવ છો’

લખનઉ: ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પ્રતિષ્ઠિત મેડલ વિજેતા ઍથ્લીટો અને પ્લેયરોને ખોબો ભરીને રોકડ ઇનામ આપવા માટે જાણીતા છે. 2021માં તેમણે ટોક્યો ઑલિમ્પિક્સમાં જીતીને આવેલા દેશના અનેક સ્પોર્ટ્સમેન અને સ્પોર્ટ્વિમેનને કુલ 42 કરોડ રૂપિયા ફાળવ્યા હતા.
આ લોકપ્રિય સીએમ આ વખતે આ રાજ્યના સ્ટાર બોલર મોહમ્મદ શમી અને ઍથ્લેટિક્સની સ્ટાર પારુલ ચૌધરી પર આફરીન છે. મંગળવારે શમી અને પારુલને અર્જુન અવૉર્ડથી નવાજવામાં આવ્યાં હતાં. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એ પુરસ્કારને લગતો ભવ્ય સમારોહ પૂરો થયા પછી યોગીએ અર્જુન અવૉર્ડ વિજેતાં બનવા બદલ શમી અને પારુલને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું, ‘મોહમ્મદ શમીએ તેના અસાધારણ પર્ફોર્મન્સથી ભારતને ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં મોટું ગૌરવ અપાવ્યું એ બદલ તેને હૃદયથી અભિનંદન આપું છું. તે ઉત્તર પ્રદેશ રાજ્યની શાન અને ગૌરવ છે અને તેની સિદ્ધિઓ રાજ્યના યુવા વર્ગ માટે પ્રેરણારૂપ બની રહેશે.’
યોગીએ લાંબી દોડની રનર ઍથ્લીટ પારુલ ચૌધરીને પાઠવેલા અભિનંદનમાં કહ્યું, ‘પારુલે ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સથી રાજ્યને ગૌરવ અપાવ્યા છે. પારુલ રાજ્યની શાન છે અને તેને ઉજજવળ ભવિષ્ય માટે શુભકામના.’