યોગી આદિત્યનાથે લીધો મોટો નિર્ણય; રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં ‘વંદે માતરમ’ ફરજિયાત

ગોરખપુર: વડાપ્રધાન મોદીએ દેશના રાષ્ટ્રગાન ‘વંદે માતરમ’ માંથી પક્તિઓ કાઢી નાખવાના આરોપ લગાવ્યા હતા, ત્યાર બાદ કોંગ્રેસે વડાપ્રધાનને સ્પષ્ટતા સાથે જવાબ આપ્યો હતો. આ વિવાદ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મોટી જહેરાત કરી છે. ગોરખપુરમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે જાહેરાત કરી કે રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ‘વંદે માતરમ’ ગાવાનું ફરજિયાત કરવામાં આવશે.
ગોરખપુરમાં ‘એકતા યાત્રા’ દરમિયાન કાર્યક્રમને સંબોધતા યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ‘વંદે માતરમ’ ગાવાનું ફરજિયાત કરવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે આ પગલાનો હેતુ નાગરિકોમાં ભારત માતા અને માતૃભૂમિ પ્રત્યે આદર અને ગર્વની ભાવના પ્રેરિત કરવાનો છે.
યોગીએ કહ્યું, “રાષ્ટ્ર ગાન વંદે માતરમ પ્રત્યે આદર હોવો જોઈએ. અમે ઉત્તર પ્રદેશની દરેક શાળા અને શૈક્ષણિક સંસ્થામાં વંદે માતરમ ગાવું ફરજિયાત બનાવવામાં આવશે.
‘નવો જિન્નાહ ઉભો ન થાય’
તેમના ભાષણ દરમિયાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે જાતિ, પ્રદેશ, ભાષાના નામે દેશને વિભાજીત કરનારાને ઓળખવા એ આપણી ફરજ છે. તેમણે કહ્યું, “ભારતમાં ફરી ક્યારેય કોઈ નવો જિન્નાહ(મોહમ્મદ અલી જિન્નાહ) ઉભો ન થાય, એ માટે આપણે વિભાજનકારી ઇરાદા તેના મૂળિયાં ફેલાવે તે પહેલાં તેનો નાશ કરવો જોઈએ.”
વડા પ્રધાનના નિવેદનથી વિવાદ:
બંગાળી કેવી બંકિમ ચંદ્ર ચેટર્જીના’વંદે માતરમ’ની રચનાની 150મી વર્ષગાંઠ નિમિત્તે એક કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસે આ કવિતાની 6 પંક્તિઓની પહેલી 2 જ પંક્તિઓ સ્વીકારી હતી. વડાપ્રધાન મોદીએ આ આખી કવિતા વાંચી હતી અને દેશના ભાગલા માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર વળતો પ્રહાર કરતા કોંગ્રેસે જણાવ્યું કે વડા પ્રધાન મોદીએ 1937ની કોંગ્રેસ કાર્યકારી સમિતિનું અપમાન કર્યું છે, જેમાં કવિવર રવિન્દ્રનાથ ટાગોરનો પણ સમાવેશ થતો હતો. કોંગ્રેસે કહ્યું કે વડાપ્રધાન મોદીએ તેમની રાજકીય લડાઈ દૈનિક સમસ્યાને આધારે લડવી જોઈએ.
આ પણ વાંચો…યોગી આદિત્યનાથે કહ્યું, અયોધ્યામાં દીપોત્સવ 500 વર્ષના અંધકાર પર આસ્થાનો વિજય



