યોગી આદિત્યનાથની પાકિસ્તાનના કટ્ટરપંથીઓને ચેતવણી: આ આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા ધરાવતું નવું ભારત છે
જમ્મુ: ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓને આકરી ચેતવણી આપતાં જણાવ્યું હતું કે હિંસા ભડકાવવાનો કોઈપણ પ્રયાસ તેમના સર્વનાશમાં પરિણમશે. આદિત્યનાથે આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાની નીતિ અને રામ મંદિર નિર્માણ જેવા નોંધપાત્ર કામો પર પોતાના ભાષણમાં વાત કરી હતી. તેમણે રાજકીય લાભ માટે જમ્મુ અને કાશ્મીરનું શોષણ કરવા બદલ વિરોધ પક્ષોની ટીકા કરી હતી અને પ્રદેશમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે કલમ 370 નાબૂદ કરવાના પગલાંની પ્રશંસા કરી હતી.
‘હું કહેવા માંગુ છું કે જો પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ ક્યાંય પણ આતંકવાદને ઉશ્કેરવાનો પ્રયાસ કરશે, તો આ તેમનો સૌથી ખરાબ નિર્ણય હશે કેમ કે આના પછી તેમને નેસ્તોનાબૂદ કરી નાખવામાં આવશે. આ એક નવું ભારત છે, જે આતંકવાદને સહન કરશે નહીં પરંતુ તેને કચડીને દાટી દેશે,’ એમ યોગી આદિત્યનાથે ઉધમપુર જિલ્લાના રામનગર વિસ્તારમાં જાહેર રેલી દરમિયાન જણાવ્યું હતું.
તેમણે આતંકવાદ પ્રત્યે ભારતની શૂન્ય સહિષ્ણુતાની નીતિ પર ભાર મૂક્યો હતો અને ચેતવણી આપી હતી કે જમ્મુ અને કાશ્મીરમાં આતંક ફેલાવવાનો પ્રયાસ કરનારાઓને સંતાવા માટે કોઈ સ્થાન મળશે નહીં. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને સફળ શાસનના ઉદાહરણ તરીકે ટાંકીને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાને કલમ 370 નાબૂદ કરવાના નિર્ણયની પ્રશંસા કરી હતી અને જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવાનું શ્રેય કલમ 370ની નાબુદીને આપ્યું હતું.
આ પણ વાંચો : જ્ઞાનવાપીને મસ્જિદ કહેવું દુર્ભાગ્ય, તે સાક્ષાત…..: યોગી આદિત્યનાથ…
આદિત્યનાથે કૉંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ અને પીડીપી જેવા વિરોધ પક્ષોની રાજકીય લાભ માટે જમ્મુ અને કાશ્મીરનું શોષણ કરવા અને આતંકવાદને પ્રોત્સાહન આપવા બદલ ટીકા કરી હતી. તેમણે કલમ 370 નાબૂદ કરવાથી હિંસા થશે એવા અગાઉના દાવાઓને રદિયો આપતાં કહ્યું હતું કે વાસ્તવમાં આનાથી વિપરીત થયું છે. જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ આવી, વિકાસ અને પ્રગતિ થઈ અને લોકો ખુશ છે, તેને શ્રેષ્ઠ રાજ્યોમાંનું એક બનાવી દેવામાં આવ્યું છે.
ભ્રષ્ટાચાર, આતંકવાદ, અલગતાવાદ અને વંશવાદના દિવસો હવે પૂરા થઈ ગયા છે અને આગામી ચૂંટણીઓ પછી આ તત્વોને કાયમી વિદાય આપવા પર મહોર લગાવી દેવામાં આવશે એમ ભારપૂર્વક તેમણે અંતમાં જણાવ્યું હતું. (પીટીઆઈ)