કાશી-મથુરા મુદ્દે CM યોગીનું મોટું નિવેદન, ‘અમે બધી જગ્યાએ પહોંચીશું અને…

નવી દિલ્હી: ભારતમાં અનેક વર્ષોથી અયોધ્યામાં રામમંદિરના નિર્માણનો પ્રશ્ન હતો, જેનો સુખદ ઉકેલ આવી ગયો છે અને મંદિરનાં નિર્માણ અને મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા બાદ તાજેતરમાં જ મંદિરના શિખર પર ધર્મધ્વજા ફરકાવવામાં આવી હતી. અયોધ્યા વિવાદના સુખદ ઉકેલ બાદ હજુ અનેક મુદ્દાઓ છે કે જે હજુ પણ વિવાદ જ છે. અયોધ્યામાં ભવ્ય શ્રીરામ મંદિરના નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે દેશનું ધ્યાન કાશી-વારાણસી અને મથુરાના ધાર્મિક વિવાદો પર કેન્દ્રિત થયું છે.
આ સંબંધમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે એક મોટું નિવેદન આપ્યું હતું. એક કાર્યક્રમમાં ભાગ લેતા, CM યોગીએ કાશી-મથુરા વિવાદો સાથે જોડાયેલા એક પ્રશ્ન પર સ્પષ્ટપણે કહ્યું હતું કે, “અમે બધી જગ્યાએ પહોંચીશું અને પહોંચી ગયા છીએ.” તેમણે જણાવ્યું હતું કે કોઈપણ સમાજને તેની વિરાસત પર ગૌરવની અનુભૂતિ થવી જોઈએ અને આ દિશામાં જ બધા કાર્યો શરૂ કરવામાં આવ્યા છે. તેમના આ નિવેદનને અયોધ્યા પછીના આગામી ધાર્મિક વિવાદોના ઉકેલની દિશામાં એક મહત્ત્વપૂર્ણ સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે.
CM યોગી આદિત્યનાથે અયોધ્યાના રામ મંદિરના નિર્ણય પર વાત કરતા સુપ્રીમ કોર્ટનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે સર્વસંમતિથી તથ્યો અને પુરાવાઓના આધારે જે નિર્ણય આવ્યો, તેને ભારતના લોકતંત્રને કારણે સૌએ સ્વીકાર્યો હતો. રામ મંદિરના શિલાન્યાસ બાદ અત્યાર સુધી 24 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ અયોધ્યાની મુલાકાત લઈ ચૂક્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, તહેવારો દરમિયાન આ સંખ્યા 35-40 લાખ સુધી પહોંચે છે, જ્યારે સામાન્ય દિવસોમાં પણ એકથી દોઢ લાખ શ્રદ્ધાળુઓ આવે છે.
આ વિવાદોની વાત કરીએ તો, મથુરામાં વિવાદ શાહી ઇદગાહ મસ્જિદને લઈને છે, જે કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલી છે. હિન્દુ પક્ષકારોનો દાવો છે કે આ મસ્જિદ 17મી સદીમાં મુગલ બાદશાહ ઔરંગઝેબ દ્વારા ભગવાન કૃષ્ણના જન્મસ્થળ પરના મંદિરને તોડી પાડ્યા બાદ બનાવવામાં આવી હતી. બીજી તરફ, કાશીમાં જ્ઞાનવાપી મસ્જિદ પર ચાલી રહેલી કાયદાકીય તપાસ ચર્ચામાં છે. આ મસ્જિદ વિશે પણ કહેવામાં આવે છે કે તે કાશી વિશ્વનાથ મંદિરને તોડીને બનાવવામાં આવી હતી. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (ASI) દ્વારા કરવામાં આવેલા સર્વેમાં પણ તે જગ્યા પર પહેલાથી એક હિન્દુ મંદિર હોવાના પુરાવા મળ્યા હતા, જેના કારણે આ વિવાદ હવે નિર્ણાયક તબક્કામાં છે.
આ પણ વાંચો…યુપીમાં યોગી સરકાર નશાના વેપારીઓ વિરુદ્ધ એકશનમાં, 128 પોલીસ ફરિયાદ નોંધાઈ…



