કર્ણાટકમાં સિદ્ધારમૈયાનો 'ઉત્તરાધિકારી' કોણ? દીકરા યતીન્દ્રના નિવેદનથી કોંગ્રેસમાં ખળભળાટ | મુંબઈ સમાચાર
નેશનલ

કર્ણાટકમાં સિદ્ધારમૈયાનો ‘ઉત્તરાધિકારી’ કોણ? દીકરા યતીન્દ્રના નિવેદનથી કોંગ્રેસમાં ખળભળાટ

બેંગલુરુ: કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાની રાજકીય નિવૃત્તિ અંગે ઘણાં સમયથી વિવિધ પ્રકારની અટકળો ચાલી રહી છે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન ડી કે શિવકુમારને મુખ્ય પ્રધાન બનાવવાની માંગ પણ કોંગ્રેસ પાર્ટીમાંથી ઉઠી રહી છે. એવામાં સિદ્ધારમૈયાના પુત્ર યતિન્દ્રએ મહત્વની ટીપ્પણી કરી છે, જેને કારણે કોંગ્રેસના કર્ણાટક એકમમાં નેતૃત્વના પ્રશ્નો ઉભા થયા છે.

યતિન્દ્રએ હવે રાજ્ય સરકારમાં પ્રધાન સતીશ જરકીહોલીને તેમના પિતાના સિદ્ધારમૈયાના સંભવિત ઉત્તરાધિકારી ગણાવ્યા છે. નોંધનીય છે કે અત્યાર સુધી નાયબ મુખ્ય પ્રધાન ડી કે શિવકુમારને સિદ્ધારમૈયાના એકમાત્ર વિકલ્પ અથવા ઉત્તરાધિકારી માનવામાં આવી રહ્યા હતાં. યતિન્દ્રના નિવેદન બાદ કરનાટક કોંગ્રેસમાં વર્ચસ્વની આંતરિક લડાઈ શરુ થઇ શકે છે.

આ પણ વાંચો: અઝીમ પ્રેમજીએ મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાને આપ્યો બેબાક જવાબ: આ માંગણી ફગાવી

યતીન્દ્રનું નિવેદન:

બેલાગવી જિલ્લાના ચિક્કોડી ખાતે એક કાર્યક્રમમાં યતીન્દ્રએ જણાવ્યું હતું કે, મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા તેમની રાજકીય કારકિર્દીના અંતિમ તબક્કામાં છે. જારકીહોલીને તેમનું માર્ગદર્શન મળવું જોઈએ.

યતીન્દ્રએ કહ્યું “જારકીહોલી એકમાત્ર તર્કસંગત અને પ્રગતિશીલ નેતા છે, તેમનામાં એવા બધા ગુણો છે, જેની આપણને અત્યારે જરૂર છે.”

આ પણ વાંચો: કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાનો મોટો દાવો: પાંચ વર્ષ માટે હું જ CM રહીશ

કોંગ્રેસના ખળભળાટ:

જો કે બાદમાં પત્રકારોએ નેતૃત્વ સંભવિત પરિવર્તન અંગે સવાલો પૂછતાં કોઈપણ ટીપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. ડી કે શિવકુમારે યતિન્દ્રના નિવેદન પર ટીપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. ડી કે શિવકુમારે કહ્યું કે સિદ્ધારમૈયા અને તેઓ પાર્ટીના નિર્દેશો અનુસાર સાથે મળીને કામ કરશે.

જરકીહોલી હાલમાં કર્ણાટક સરકારમાં જાહેર બાંધકામ વિભાગના પ્રધાન છે. સિદ્ધારમૈયાએ ગત મહીને સ્પષ્ટતા કરી હતી કે તેઓ મુખ્ય પ્રધાન તરીકેની ચાલુ ટર્મ પૂરી કરશે. તેમણે ડીકે શિવકુમારને મુખ્ય પ્રધાન પદ સોંપવા અંગેના અહેવાલો ફગાવી દીધા હતાં. યતીન્દ્રના નિવેદન બાદ હવે આ મુદ્દે નવો વળાંક આવ્યો છે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button