યમુના એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત, બે બસો અથડાઇ, 40 મુસાફરો ઘાયલ
લખનઊઃ ગાઢ ધુમ્મસ અને તીવ્ર ઠંડીના કારણે દેશના ઉત્તર ભાગમાં લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. ઘણા વિસ્તારોમાં ધુમ્મસ એટલું ગંભીર છે કે દૃશ્યતા શૂન્ય છે. દરમિયાનમાં ઉત્તર પ્રદેશના યમુના એક્સપ્રેસ વે પર સોમવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. અકસ્માતને પગલે સ્થળ પર અરેરાટી ફેલાઈ ગઈ હતી.
મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશમાં સોમવારે ધુમ્મસના કારણે યમુના એક્સપ્રેસ વે પર મુસાફરોથી ભરેલી બે બસો અથડાઈ હતી. અવાજ સાંભળીને પસાર થતા લોકો થંભી ગયા હતા. તેમણે આ અંગે પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ પોલીસ પહોંચી અને લોકોને બસમાંથી બહાર કાઢ્યા હતા. આ અકસ્માતમાં 40 મુસાફરો ઘાયલ થયા છે. આ દુર્ઘટના સોમવારે સવારે 3:00 વાગ્યે યમુના એક્સપ્રેસ વેના રાય કટ પર બની હતી. અકસ્માત સમયે એક બસ નોઈડાથી ધોલપુર જઈ રહી હતી અને બીજી બસ ઈટાવાથી નોઈડા જઈ રહી હતી. બંને બસ મથુરા પાસે અથડાઈ હતી. હાલમાં તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી 2ની હાલત ગંભીર છે.
હાલમાં બંને બસને અકસ્માતના સ્થળેથી હટાવી દઇને ટ્રાફિ્ક પૂર્વવત કરવામાં આવ્યો છે. વધુ તપાસ ચાલુ છે.