
નવી દિલ્હી: સીમા વિવાદ મામલે ભારત અને ચીન વચ્ચેના સંબંધો હંમેશા તણાવભર્યા રહ્યા છે, ચીનની સેના અવારનવાર ભારતના અધિકાર ક્ષેત્રમાં ઘુસવાનો પ્રયાસ કરે છે. વર્ષ 2020માં ગાલવાન ઘાટીમાં ભારત અન ચીનની સેના વચ્ચે થયેલી અથડામણ બાદ બંને દેશો વચ્ચેના સંબંધો વધુ વણસ્યા હતાં. પરંતુ છેલ્લા કેટલાક સમયથી બંને દેશોના સંબધોમાં થોડો સુધારો થયો છે, એવામાં મંગળવારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે ચીન સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવા માટે ભારત સાથે કામ કરવા તૈયાર છે.

ભારત અને ચીન વચ્ચે રાજદ્વારી સંબંધો શરુ થવાને 75 વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) અને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ(Draupadi Murmu)એ મંગળવારે એકબીજાને અભિનંદન સંદેશા મોકલ્યા.ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને બેઇજિંગમાં એક મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ જિનપિંગ અને મુર્મુ ઉપરાંત, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના વડા પ્રધાન લી કેકિયાંગે પણ એકબીજાને અભિનંદન સંદેશ મોકલ્યા છે.
શી જિનપિંગે શું કહ્યું?
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ બંને દેશો વચ્ચે સંબંધો સુધરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. જિનપિંગે કહ્યું છે કે ચીન અને ભારતે સાથે મળીને કામ કરવું જોઈએ. આ દરમિયાન, તેમણે કહ્યું કે આ સંબંધ ડ્રેગન અને હાથી વચ્ચેના ‘ટેંગો’ નૃત્ય જેવો સુમેળભર્યો હોવો જોઈએ.
સંદેશમાં જિનપિંગે કહ્યું કે બંને દેશોએ શાંતિપૂર્ણ રીતે સહઅસ્તિત્વના રસ્તાઓ શોધવા જોઈએ. બંને દેશોએ મુખ્ય આંતરરાષ્ટ્રીય મુદ્દાઓમાં ભાગીદારીને વધુ આગળ વધારવાની અને સરહદી વિસ્તારોમાં શાંતિ જાળવવા માટે કામ કરવાની જરૂર છે જિનપિંગે ભારત અને ચીનને પ્રાચીન સભ્યતાઓ ધરાવતા દેશો ગણાવ્યા. તેમણે કહ્યું બંને દેશો પ્રમુખ વિકાસશીલ રાષ્ટ્રો છે અને ગ્લોબલ સાઉથના મહત્વપૂર્ણ સભ્યો છે. બંને દેશો પોતાના આધુનિકીકરણના એક મહત્વપૂર્ણ તબક્કામાં છે.
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ શી જીનપીંગને શુભેચ્છા સંદેશ મોકલ્યો. તેમને એક સ્થિર અને મૈત્રીપૂર્ણ દ્વિપક્ષીય સંબંધો માટે અપીલ, જેથી બંને દેશો અને વિશ્વને ફાયદો થાય.
આપણ વાંચો : ભારત સાથે બગડતા સંબંધો વચ્ચે ચીન બાંગ્લાદેશની નજીક આવી રહ્યું છે? યુનુસ અને જિનપિંગ સાથે થઈ બેઠક…