નેશનલ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ એ સ્વીકારી ભૂલ: હજારો આપત્તિજનક કન્ટેન્ટ કર્યા બ્લોક

નવી દિલ્હી: ભારતમાં કાર્યરત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માટે કાયદાનું પાલન કરવું હવે અનિવાર્ય બની ગયું છે. લાંબા સમયના વિવાદ અને ચર્ચાઓ બાદ, એલોન મસ્કની માલિકીના પ્લેટફોર્મ ‘X’ એ આખરે ભારતીય કાયદાઓ અને નિયમોને સર્વોપરી ગણી તેનું પાલન કરવાની ખાતરી આપી છે. કન્ટેન્ટ મોડરેશનમાં રહેલી ખામીઓને સ્વીકારીને પ્લેટફોર્મે સ્પષ્ટ કર્યું છે કે તે ભારત સરકારના નિર્દેશો મુજબ કામ કરશે. આ નિર્ણય ડિજિટલ પ્લેટફોર્મ પર મહિલાઓની સુરક્ષા અને ગરિમા જાળવવા માટે એક મહત્વનું પગલુ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ‘X’ પ્લેટફોર્મ દ્વારા તાજેતરમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જે અંતર્ગત અંદાજે 3,500 જેટલા આપત્તિજનક કન્ટેન્ટ બ્લોક કરી દેવામાં આવ્યા છે અને 600 થી વધુ એકાઉન્ટ્સ કાયમી ધોરણે ડિલીટ કરવામાં આવ્યા છે. પ્લેટફોર્મે સરકારને ખાતરી આપી છે કે હવે પછી કોઈપણ પ્રકારની અશ્લીલ તસવીરો કે વાંધાજનક સામગ્રીને પોસ્ટ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ પગલાથી સોશિયલ મીડિયા પર ફેલાતી અશ્લીલતા પર લગામ આવશે તેવી આશા છે.

આ સમગ્ર વિવાદના મૂળમાં ‘X’ નું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટૂલ ‘Grok’ હતું. એવા અહેવાલો હતા કે આ ટૂલનો ઉપયોગ કરીને મહિલાઓની વાંધાજનક અને નકલી તસવીરો બનાવવામાં આવી રહી હતી. ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે આ બાબતે ગંભીરતા દાખવી ‘X’ પાસે જવાબ માંગ્યો હતો. સરકારે સ્પષ્ટ કર્યું હતું કે ટેકનોલોજીનો ઉપયોગ સુરક્ષા માટે થવો જોઈએ, નહીં કે કોઈની છબી ખરડવા માટે. ‘X’ એ સ્વીકાર્યું છે કે તેમના કન્ટેન્ટ મોડરેશન સ્ટાન્ડર્ડમાં ખામીઓ હતી, જેને હવે સુધારવામાં આવી રહી છે.

આ દરમિયાન, રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ‘X’ ની ટીકા કરતા જણાવ્યું હતું કે માત્ર નિયમો બનાવવાથી કંઈ નહીં થાય, તેનું અમલીકરણ જરૂરી છે. તેમણે ધ્યાન દોર્યું હતું કે ‘Grok’ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાને બદલે તેને પેઈડ યુઝર્સ સુધી મર્યાદિત રાખવો એ પૂરતું નથી. બીજી તરફ, સરકાર સતત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર નજર રાખી રહી છે જેથી ભવિષ્યમાં AI દ્વારા નિર્મિત આવી અશ્લીલ સામગ્રી અટકાવી શકાય. ‘X’ એ પણ ખાતરી આપી છે કે તેઓ ભવિષ્યમાં ભારતીય સંસ્કૃતિ અને કાયદાનું સન્માન કરશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button