નવી દિલ્હી: હરિયાણામાં આવતા મહીને વિધાનસભા ચુંટણી યોજાવાની છે, કુસ્તીના મેદાનમાં ભારતનું નામ રોશન કરનાર રેસલર્સ વિનેશ ફોગાટ (Vinesh Phogat) અને બજરંગ પુનિયા (Bajrang Punia) ચૂંટણીના મેદાનમાં દાવપેચ અજમાવતા જોવા મળશે. વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ આજે બુધવારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી(Rahul Gandhi) સાથે મુલાકાત કરી હતી, ત્યાર બાદ બંને ચૂંટણી લડશે એવી જાહેરાત કરવામાં આવી હતી.
બંને સ્ટાર રેસલર્સ કોંગ્રેસ પાર્ટીની ટિકિટ આગામી હરિયાણા વિધાનસભા ચૂંટણી લડશે. તેઓ તેમના વર્તમાન તમામ હોદ્દા પરથી રાજીનામું આપશે છે. અહેવાલો મુજબ બજરંગ પુનિયા બાદલીથી ચૂંટણી લડશે અને વિનેસ ફોગાટ જુલાનાથી ચૂંટણી જંગમાં જંપલાવશે.
નોંધનીય છે કે, પેરિસ ઓલિમ્પિકમાંથી પાછા ફર્યા પછી, વિનેશ ફોગાટે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપિન્દર સિંહ હુડ્ડા સાથે મુલાકાત કરી હતી. હુડ્ડા નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીમાં જોડાવા માંગતા કોઈપણનં સ્વાગત છે. વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા બુધવારે નવી દિલ્હીમાં કોંગ્રેસના મહાસચિવ (સંગઠન) કેસી વેણુગોપાલને પણ મળ્યા હતા.
ભારતીય જનતા પાર્ટી હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં સતત ત્રીજી વખત જીત મેળવવા ઈચ્છે છે, જ્યારે કોંગ્રેસ ભાજપને પછાડી ફરીથી સત્તા મેળવવા માંગે છે. સ્ટાર એથ્લેટ્સ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસ માટે હુકમના એક્કા સાબિત થઇ શકે છે.
વિનેશ ફોગાટે તાજેતરમાં જ શંભુ બોર્ડર પર અંદોલન કરી રહેલા ખેડૂતો વચ્ચે હાજરી આપી હતી, અને ખેડૂતોની લડતને સમર્થન આપ્યું હતું.
વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા બંનેએ WFIના પૂર્વ વડા બ્રિજભૂષણ શરણ સિંહ સામેના અંદોલનમાં આગળ પડતી ભૂમિકા ભજવી હતી.