વાહ તાજ! હવે હોટ એર બલૂનમાંથી માણી શકાશે તાજમહેલનો નજારો
તાજમહેલની મુલાકાત હવે વધુ ખાસ બનવા જઇ રહી છે. હવે પ્રવાસીઓ હોટ એર બલૂનમાંથી તાજમહેલનો સુંદર નજારો માણી શકશે. આગ્રાના વહીવટીતંત્રે તાજમહેલની નજીક આવેલા એક સાંસ્કૃતિક હબ શિલ્પ ગ્રામથી હોટ એર બલૂન રાઇડ શરૂ કરવાની યોજના બનાવી છે, જેને પગલે પ્રવાસીઓને આગ્રાના આઇકોનિક તાજમહેલ અને અન્ય આકર્ષણોના હવાઈ દ્રશ્યો જોવા મળશે. આ રાઇડ્ઝ 17 ઓક્ટોબરથી હોટ એર બલૂનની રાઇડ્ઝ શરૂ થશે તેમજ આ એક ખાનગી સેવા હશે.
જો કે તાજમહેલ પાસેની એર સ્પેસ નો ફ્લાય ઝોન હોવાથી હોટ એર બલૂન વધુ નજીક નહિ જાય પરંતુ તે 200 ફૂટ ઉંચેથી તાજમહેલથી 3.5 કિમી સુધીના વિસ્તારને કવર કરી શકશે. તાજમહેલથી 1 કિમી દૂર યમુના નદીકિનારેથી હોટ એર બલૂનની રાઇડ ટેકઓફ કરશે, ત્યારબાદ તે તાજમહેલ, મહેતાબ બાગ અને આગ્રાના કિલ્લા સુધીના વિસ્તારને કવર કરશે. હોટ એક બલૂનમાં વધુમાં વધુ 8 પ્રવાસીઓની ક્ષમતા હશે. રાઇડ્ઝની કિંમતો અંગે સ્થાનિક વહીવટીતંત્ર કોન્ટ્રાક્ટ એજન્સી સાથે મળીને નક્કી કરશે.
જો કે આ પહેલીવારનું નથી કે જ્યારે આગ્રામાં પ્રવાસીઓને એરીયલ વ્યૂનો આનંદ મળ્યો હોય, અગાઉ વર્ષ 2013માં એક ખાનગી કંપનીએ હિલીયમ બલૂન રાઇડ શરૂ કરી હતી જે પ્રવાસીઓને તાજમહેલનો આકાશી નજારો માણતા હતા પરંતુ 2014માં આવેલા વાવાઝોડાને કારણે આ સેવા ઠપ્પ થઇ ગઇ. આ પછી ઉત્તરપ્રદેશ પ્રવાસન વિભાગે 2015 અને 2021માં તાજ બલૂન ફેસ્ટીવલ યોજ્યા હતા જેમાં આ બલૂન રાઇડ્ઝનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
વિધિવત લાંબા ગાળા માટે આ રાઇડ્ઝ ચાલે એ માટે આગ્રા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગ્રા ડેવલપમેન્ટ ઓથોરિટીએ ટેન્ડર બહાર પાડ્યા છે. પરંતુ એ પહેલા શિલ્પગ્રામમાં શરૂ થનાર તાજ કાર્નિવલમાં આવતીકાલથી જ આ રાઇડ્ઝ ખાનગી પ્રકારે શરૂ થઇ જશે. તાજ કાર્નિવલ 17 થી 25 ઓક્ટોબર સુધી ચાલશે.