ઉજ્જૈનથી નક્કી થશે વિશ્વનો સમય, સીએમ મોહન યાદવે રજૂ કરી યોજના
ભોપાળઃ મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવે દાવો કર્યો છે કે ભારત દ્વારા લગભગ 300 વર્ષ પહેલા વિશ્વનો પ્રમાણભૂત સમય નક્કી કરવામાં આવ્યો હતો અને તે સમયનું એક સાધન આજે પણ ઉજ્જૈનમાં હાજર છે. આ ઉપરાંત CM યાદવે કહ્યું કે તેમની સરકાર પ્રાઇમ મેરેડિયન ઇંગ્લેન્ડના ગ્રીનવિચથી ઉજ્જૈન સુધી સ્થાનાંતરિત કરવા માટે કામ કરશે. નોંધનીય છે કે હાલમાં પ્રાઇમ મેરિડીયન ઇંગ્લેન્ડના ગ્રીનવિચ શહેરમાંથી પસાર થાય છે.
(પ્રાઇમ મેરેડિયન એક કાલ્પનિક રેખા છે, જે છેલ્લે 1851માં સ્થાપિત થઈ હતી, જેનો ઉપયોગ 0° રેખાંશ દર્શાવવા માટે થતો હતો. તે લંડન પાસે આવેલા ગ્રીનવિચ શહેરમાંથી પસાર થાય છે અને ઉત્તર અને દક્ષિણ ધ્રુવો પર સમાપ્ત થાય છે. તે 0° રેખાંશ દર્શાવે છે, તેથી તેને પ્રાઇમ મેરિડીયન તરીકે પણ ઓળખવામાં આવે છે.
મધ્યપ્રદેશ વિધાનસભાને સંબોધિત કરતી વખતે મોહન યાદવે કહ્યું હતું કે, ‘300 વર્ષ પહેલા સુધી, વિશ્વમાં ભારતનો સમય ધોરણ માનવામાં આવતો હતો. પરંતુ સમયના વહેણમાં જ્યારે આપણે ગુલામ બની ગયા ત્યારે ફ્રાન્સની રાજધાની પેરિસમાંથી પ્રમાણભૂત સમય નક્કી થતો રહ્યો. તે પછી અંગ્રેજો તેને ગ્રીનવિચ લઈ ગયા અને ત્યાંથી વિશ્વનો પ્રમાણભૂત સમય નક્કી કરવાનું શરૂ કર્યું.
CM યાદવે આગળ કહ્યું હતું કે, ‘તો કહું કે આપણે પૂર્વના દેશ છીએ અને તેઓ પશ્ચિમના દેશ છે. વિશ્વમાં અહીં માત્ર બે પ્રકારના જીવો જોવા મળે છે, એક જીવો જે સૂર્યોદયથી પોતાની દિનચર્યા શરૂ કરે છે અને સૂર્યાસ્ત સમયે સમાપ્ત કરે છે. અન્ય જીવો નિશાચર એટલે કે રાત્રે વિહરવાવાળા છે.
પરંતુ કયા જીવો તેમની દિનચર્યા મધ્યરાત્રિએ શરૂ કરે છે? જેનો અર્થ છે દિવસ મધ્યરાત્રિએ બદલાશે? તેના ધોરણ શું છે? આ કયો સ્કેલ છે, પરંતુ હું તમને આ સ્કેલ વિશે જણાવવા માંગુ છું. આ તે સ્કેલ છે જેના અનુસાર ભારતીય સંસ્કૃતિને શરમાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સીએમ મોહન યાદવે વધુમાં કહ્યું કે અમે વિશ્વ સમયને સુધારવા માટે ઉજ્જૈનની વેધશાળામાં સંશોધન કરીશું. IIT અને IIM ના સંશોધકો સંશોધન કરશે અને એક પ્લેટફોર્મ તૈયાર કરશે… અમે રજૂ કરેલા આ વિષયમાં પાકિસ્તાન અને ચીન સહિત વિશ્વના ઘણા દેશો અમને સમર્થન આપશે.
પ્રાચીન હિંદુ ખગોળશાસ્ત્રીય માન્યતા અનુસાર, ઉજ્જૈનને એક સમયે ભારતનું મધ્ય મેરિડીયન માનવામાં આવતું હતું અને આ શહેર દેશના સમય ક્ષેત્ર અને સમયનો તફાવત નક્કી કરે છે. તે હિન્દુ કેલેન્ડરમાં સમયનો આધાર પણ છે. અગાઉ સોમવારે , યાદવે કહ્યું કે તેમની સરકાર રાજ્યમાં ધાર્મિક સ્થળોના સાંસ્કૃતિક પુનરુત્થાન માટે રોડમેપ તૈયાર કરી રહી છે. તેમણે કહ્યું કે પ્રસ્તાવિત યોજનામાં ઉજ્જૈનના મહાકાલ લોકથી ઓરછા, સલ્કાનપુર અને મૈહર સુધીના સ્થળોનો સમાવેશ થાય છે.