2024ની વસ્તી ગણતરી બાદ લાગુ થશે મહિલા આરક્ષણ બિલ
કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે આપ્યું મોટું અપડેટ

નવી દિલ્હીઃ મહિલા અનામત બિલ સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યું છે. બિલ પાસ થયા બાદ બધાને એક જ સવાલ હતો કે આ બિલ ક્યારે લાગુ થશે. આ અંગે કેન્દ્રીય પ્રધાન નિર્મલા સીતારમણે મોટું નિવેદન આપ્યું છે. નિર્મલા સીતારમણે કહ્યું છે કે મહિલા આરક્ષણ બિલ 2024માં લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, 2024માં વસ્તીગણતરી બાદ કેન્દ્ર મહિલા આરક્ષણ બિલને લાગુ કરવા માટે પગલાં લેશે.
સીતારમણે કહ્યું હતું કે મહિલા બિલ હવે હકીકત બની ગયું છે કારણ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા રાષ્ટ્ર નિર્માણમાં મહિલાઓની ભૂમિકામાં માનતા હતા. તેમણે વડાપ્રધાનના વખાણ પણ કર્યા હતા. તેમણે કહ્યું કે કેન્દ્ર 2024માં મહિલા આરક્ષણ બિલને લાગુ કરવા માટે પગલાં લેશે.
આ દરમિયાન કેન્દ્રીય પ્રધાને પોર્ટુગીઝો સામે લડનાર ઉલ્લાલની 16મી સદીની રાણી અબક્કાની હિંમત અને બહાદુરીની પણ પ્રશંસા કરી હતી. તેમણે એવી આશા વ્યક્ત કરી હતી કે કર્ણાટકના દરિયાકાંઠામાં રાણી અબક્કાના નામે સૈનિક શાળા ખોલવામાં આવશે. તેમણે સ્મારક પોસ્ટેજ સ્ટેમ્પ માટે વપરાયેલ રાણી અબક્કાના ચિત્ર માટે કલાકાર વાસુદેવ કામથને પણ અભિનંદન આપ્યા હતા. સીતારમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે શાહી દળો સામે લડનારા ઘણા અજાણ્યા લડવૈયાઓના યોગદાનને દસ્તાવેજીકરણ કરવા માટે પગલાં લીધાં છે. તેમણે કહ્યું હતું કે આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે સરકારે બહાદુરીની 14 હજાર 500 વાર્તાઓનો ડિજિટલ ભંડાર બનાવ્યો છે. જેમાં સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે જોડાયેલા સ્થળોને ઉજાગર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે સ્વતંત્રતા સંગ્રામમાં મહિલાઓની ભૂમિકા, બંધારણ સભામાં મહિલાઓ અને સ્વતંત્રતા સંગ્રામના આદિવાસી નેતાઓ પર ત્રણ પુસ્તકો બહાર પાડવા માટે અમર ચિત્રકથા સાથે પણ જોડાણ કર્યું છે.
સંસદના બંને ગૃહોમાં મહિલા અનામત બિલ પાસ થયા બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેના પર હસ્તાક્ષર કર્યા છે. આ પછી હવે તે કાયદો બની ગયો છે. તેની જોગવાઈઓ અનુસાર, તેને 2024ની વસ્તી ગણતરી બાદ લાગુ કરવામાં આવશે. આ પછી રાજ્યની વિધાનસભાઓ અને લોકસભામાં મહિલાઓનું 33 ટકા પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવામાં આવશે.