તેલંગાણામાં પુરૂષો કરતાં મહિલા મતદારોની સંખ્યા વધી
હૈદરાબાદઃ તેલંગાણામાં આ મહિનાની 30મીએ વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ચૂંટણી પંચે તેલંગાણાની અંતિમ મતદાર યાદી જાહેર કરી છે. અંતિમ મતદાર યાદી અનુસાર તેલંગાણામાં કુલ 3 કરોડ 26 લાખ 18 હજાર 205 મતદારો છે. જેમાં 1 કરોડ 62 લાખ 98 હજાર 418 પુરૂષો અને 1 કરોડ 63 લાખ 1 હજાર 705 મહિલાઓનો સમાવેશ થાય છે. જ્યારે તેલંગાણામાં ત્રીજા લિંગના 2,676 મતદારો નોંધાયેલા છે. આમ તેલંગાણામાં પુરૂષ મતદારોની સરખામણીમાં મહિલા મતદારોની સંખ્યા વધી ગઇ છે.
ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે મતદાર યાદીમાં 35 લાખ 73 હજારથી વધુ લોકોના નામ ઉમેરાયા છે. જ્યારે લગભગ 9 લાખ લોકોના નામ દૂર કરવામાં આવ્યા છે. લગભગ 16 લાખ નામ એવા છે જેમણે પોતાનું મતદાન સરનામું બદલ્યું છે. મુખ્ય ચૂંટણી અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે હવે અંતિમ યાદી પ્રકાશિત થઈ ગઈ છે. 2023ની વિધાનસભા ચૂંટણી માટે હવે પછીની અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.