ચેતજો! મહિલાએ રસ્તા પર ભરાયેલા પાણીમાં પગ મુકતા જ વીજ કરંટ લાગ્યો, ઘટના સ્થળે જ મોત
નવી દિલ્હી: વરસાદ પડતા જ દિલ્હીના રોડ રસ્તાઓ પણ પાણી ભરાઈ (Waterlogged Road in Delhi) જતા હોય છે, જેને કારણે વાહનચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. એવામાં ગઈ કાલે શનિવારે દિલ્હીમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. ઉત્તરપૂર્વ દિલ્હીના ભજનપુરામાં એક 34 વર્ષીય મહિલાએ જ્યારે તેણે રસ્તા પર ભરાયેલા વરસાદી પાણીમાં પગ મુકતા જ વીજ કરંટ (Electrocution) લાગ્યો હતો, જેના કારણે મહિલાનું મુત્યુ નીપજ્યું હતું.
અહેવાલ અનુસાર આ ઘટના શનિવારે સવારે 7.39 વાગ્યે મોરલ હોસ્પિટલ નજીક યમુના વિહારના સી બ્લોક વિસ્તારમાં બની હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 34 વર્ષીય પૂનમ નામની આ મહિલા પગપાળા બજારમાં જઈ રહી હતી ત્યારે તેને વીજ કરંટ લાગ્યો હતો. પૂનમ ગૃહિણી હતી અને તેના પતિ તે જ વિસ્તારમાં જનરલ સ્ટોર ચલાવે છે.
અધિકારીએ જણાવ્યું કે ગઈકાલના વરસાદને કારણે આ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા.
પોલીસ અધિકારી એ જણાવ્યું કે, “ફુટપાથ પાસે વીજળીના થાંભલામાંથી નીકળેલા લાઈવ વાયરને કારણે મહિલાને વીજ કરંટ લાગ્યો અને તે પાણીમાં પડી ગઈ. તેણીને મોરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કરી.”
પોલીસે આ મામલે અજાણ્યા વ્યક્તિઓ સામે બેદરકારીથી મૃત્યુનો કેસ દાખલ કર્યો છે, એમ તેમણે જણાવ્યું હતું