ગઢચિરોલીમાં મહિલા નક્સલવાદીની ધરપકડ

ગઢચિરોલી: સુરક્ષા દળો પર હુમલામાં સંડોવાયેલી મહિલા નક્સલવાદીની રાજ્યના ગઢચિરોલી ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલી મહિલા નક્સલવાદી પર છ લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કરાયું હતું.
છત્તીસગઢના બિજાપુર જિલ્લામાં રહેતી રાજેશ્વરી ઉર્ફે કમલા પડગા ગોતા (30)ને રવિવારે મહારાષ્ટ્ર-છત્તીસગઢની સીમાએ આવેલા જંગલમાંથી પકડી પાડવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ એપ્રિલ, 2023માં ભામરાગડ સ્થિત કેદમરા જંગલ પરિસરમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે થયેલા ગોળીબારમાં ગોતા કથિત રીતે સંડોવાયેલી હતી. એ સિવાય છત્તીસગઢમાં કચલરામ જંગલ પરિસરમાં પોલીસ પાર્ટીઓ પર ગોળીબાર સહિત હિંસાની અન્ય ઘટનાઓ સાથે પણ તે સંકળાયેલી હતી.
ગોતાની 2019માં પણ ધરપકડ કરવામાં આવી હતી. જોકે વર્ષ પછી તે જેલમાંથી બહાર આવી હતી. દંડકારણ્ય સ્પશિયલ ઝોનલ કમિટી હેઠળની ટેઈલરિંગ ટીમમાં તે એરિયા કમિટી મેમ્બર હતી. ગોતાની માહિતી આપનારાને છ લાખ રૂપિયાનું ઇનામ પણ રાજ્ય સરકારે જાહેર કર્યું હતું, એમ અધિકારીનું કહેવું છે.
પોલીસની અખબારી યાદી મુજબ જાન્યુઆરી, 2022થી અત્યાર સુધીમાં 73 જેટલા માઓવાદીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ નીલોત્પલના માર્ગદર્શન હેઠળ ગઢચિરોલી પોલીસે હાથ ધરેલાં વિવિધ ઑપરેશનમાં આ કામગીરી સફળતાપૂર્વક પાર પાડી હતી. (પીટીઆઈ)