રેપિડો ડ્રાઈવરે રાઇડ દરમિયાન મહિલા સાથે ન કરવાનું કામ કર્યું: વીડિયો વાયરલ થતાં લોકોમાં રોષ…

બેંગલુરુ: આજના સમયમાં મહિલાઓ અબળા રહી નથી. તેમ છતાં ઘણીવાર અસામાજિક તત્વો મહિલાઓની છેડતીનો પ્રયાસ કરવાનું દુ:સ્સાહસ કરતા રહે છે. તાજેતરમાં કર્ણાટકના બેંગલુરુ ખાતે મહિલાની છેડતી કરવાના પ્રયાસની ઘટના સામે આવી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને લઈને લોકોમાં રોષ ભભૂક્યો છે. મહિલાની છેડતી કરનાર કોણ છે, આવો જાણીએ.
રેપિડો ડ્રાઈવરે કરી ગેરવર્તણૂક
ભારતની સિલિકોન વેલી ગણાતા બેંગલૂરુમાં ઘરથી દૂર રહીને ઘણી મહિલાઓ કામ કરી રહી છે. અહીં નોકરી કરતી ઘણી મહિલાઓ મુસાફરી માટે રેપિડો, ઓલા, ઉબર જેવા માધ્યમોનો ઉપયોગ કરતી થઈ ગઈ છે. જોકે, એક મહિલાને તાજેતરમાં આ માધ્યમોમાં મુસાફરી દરમિયાન ગેરવર્તણૂકનો અનુભવ થયો છે. ગેરવર્તણૂકનો ભોગ બનનારી મહિલાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને Rapido રાઇડના ડ્રાઇવર પર સવારી દરમિયાન અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
મહિલાએ ઇન્સ્ટાગ્રામ પર આ ઘટનાનો પર્દાફાશ કર્યો છે, અને વીડિયો વાયરલ થયા બાદ બેંગલુરુમાં મહિલા સુરક્ષા અંગે ફરી સવાલો ઊભા થયા છે. મહિલાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, 6 નવેમ્બર, 2025ના રોજ, ચર્ચ સ્ટ્રીટથી તેના પીજી (પેઇંગ ગેસ્ટ એકોમોડેશન) પર પરત ફરતી વખતે આ ઘટના બની હતી. Rapido ડ્રાઈવરે સવારી દરમિયાન બે વાર મારો પગ પકડવાનો પ્રયાસ કર્યો. શરૂઆતમાં હું આશ્ચર્યચકિત થઈ ગઈ, પરંતુ જ્યારે ડ્રાઇવર ન અટક્યો, ત્યારે મેં તેને રાઈડ રોકવા કહ્યું.
હું ખૂબ ડરી ગઈ હતી
મહિલાએ જણાવ્યું કે, “જ્યારે ડ્રાઈવરે બે વાર આવું કર્યું, ત્યારે મેં તેને કહ્યું, ‘ભાઈ, તું શું કરી રહ્યો છે? આ કરવાનું બંધ કર,’ પરંતુ તે અટક્યો નહીં. હું ખૂબ ડરી ગઈ હતી અને ધ્રૂજતી હતી. હું તેને રોકવાનું કહી શકી નહીં કારણ કે હું આ જગ્યાએ નવી હતી અને મને ખબર નહોતી કે હું ક્યાં છું.”
પોતાના ડેસ્ટિનેશન પર પહોંચ્યા પછી મહિલા ધ્રૂજતી હતી અને રડી રહી હતી. તેથી નજીકમાં ઊભેલા એક વ્યક્તિએ તેને મદદ કરી અને રેપિડો ડ્રાઈવર સાથે વાત કરી. ડ્રાઈવરે માફી તો માંગી, પરંતુ જતા સમયે તેણે મહિલા તરફ આંગળી ચીંધી, જેનાથી મહિલા પોતાને વધુ અસુરક્ષિત અનુભવવા લાગી. મહિલાએ અન્ય મહિલાઓને વિનંતી કરી છે કે આવી કોઈ પણ ઘટનામાંથી પસાર થવું ન જોઈએ, “કૃપા કરીને સતર્ક રહો, તમારી આંતરિક લાગણી પર વિશ્વાસ કરો અને ચૂપ ન રહો.”
પોલીસ અને Rapidoની પ્રતિક્રિયા
વીડિયો વાયરલ થયા પછી, સોશિયલ મીડિયા યુઝર્સ પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે અને સવાલો ઉઠાવી રહ્યા છે. મળતી માહિતી મુજબ બેંગલુરુ શહેર પોલીસે આ મામલે તપાસ શરૂ કરવા માટે મહિલાને ઘટના, સ્થાન અને સંપર્ક માહિતીની વિગતો શેર કરવા જણાવ્યું છે. Rapido કંપનીએ પણ આ બાબતની ગંભીર નોંધ લીધી છે. Rapidoએ પોતાના નિવેદનમાં કહ્યું કે, “તમારી તાજેતરની મુસાફરી દરમિયાન ડ્રાઈવરના અયોગ્ય વર્તન વિશે જાણીને અમને ચિંતા છે. તમારી સલામતી અને સુખાકારી અમારી ટોચની પ્રાથમિકતા છે. કૃપા કરીને અમને આ બાબતની વિગતવાર તપાસ કરવા માટે થોડો સમય આપો.”



