નવી દિલ્હી: ભાજપે જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થતાંની સાથે જ પીએમ મોદીની(PM Modi)રેલીનો માસ્ટરપ્લાન તૈયાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 થી 12 રેલીઓ કરી શકે છે. પીએમ મોદી જમ્મુ ક્ષેત્રમાં 8 થી 10 રેલીઓ કરશે. જ્યારે કાશ્મીર વિસ્તારમાં 1 થી 2 રેલીને સંબોધિત કરી શકે છે.
પીએમની રેલીની મતદારો પર વધુ અસર
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે બૂથ સ્તરે કાર્યકરોને સક્રિય કર્યા છે. ભાજપના તમામ નેતાઓ એ નક્કી કરી રહ્યા છે કે પીએમ મોદીની રેલી કયા વિધાનસભા ક્ષેત્રમાં યોજાવી જોઈએ. જેના લીધે મતદારોમાં રેલીની વધુ અસર જોવા મળે.
આ પણ વાંચો : ભાજપે તાત્કાલિક પરત ખેંચી Jammu Kashmir ના ઉમેદવારોની યાદી, જાણો કારણ…
ભાજપે 15 ઉમેદવારોની યાદી જાહેર કરી
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે આખરે 15 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ભાજપે સવારે 44 ઉમેદવારોની યાદી જાહેર કરીને ગણતરીના સમયમાં પાછી ખેંચી લીધી હતી. જેની બાદ હવે જૂની યાદીમાં સુધારો કરીને આ નવી યાદી બહાર પાડી છે. આ 15 ઉમેદવારોની યાદીમાં સૈયદ શૌકત ગાયુર અંદ્રાબી, અરશિદ ભટ્ટ, મોહમ્મદ રફીક વાની, વીર સરાફ, સુનીલ શર્મા અને શક્તિ રાજ પરિહારના નામ સામેલ છે.
વિધાનસભાની ચૂંટણી ત્રણ તબક્કામાં છે
જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં 19 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે મતદાન થવાનું છે. જ્યારે 4 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. જ્યારે કોંગ્રેસ, એનસી અને પીડીપી પણ ટૂંક સમયમાં ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે.