
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેન્દ્ર સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે, જે અંતર્ગત સંસદનું આગામી શિયાળુ સત્ર 1 ડિસેમ્બરથી 19 ડિસેમ્બર દરમિયાન આયોજિત કરવામાં આવશે. જોકે, સંસદીય કાર્યની જરૂરિયાતો અનુસાર આ સમયગાળો લંબાવી અથવા ઘટાડી પણ શકાય છે.
કેન્દ્રીય સંસદીય કાર્ય પ્રધાન કિરન રિજિજૂએ આ માહિતી ‘એક્સ’ પર પોસ્ટ કરીને શેર કરી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, “અમે એક રચનાત્મક અને સાર્થક સત્રની અપેક્ષા રાખીએ છીએ, જે આપણા લોકતંત્રને મજબૂત કરશે અને જનતાની આકાંક્ષાઓની પૂર્તિ કરશે.”
બીજી તરફ, બિહાર વિધાનસભાની ચૂંટણી બાદ યોજાઈ રહેલા આ શિયાળુ સત્રમાં જબરદસ્ત હોબાળો થવાની સંભાવના છે. વિપક્ષ સરકારને અનેક મુખ્ય મુદ્દાઓ પર ઘેરવાનો પ્રયાસ કરશે. જેમાં મોંઘવારી, બેરોજગારી અને વિદેશ નીતિ ઉપરાંત વિપક્ષ દ્વારા ઉઠાવાતા કથિત વોટ ચોરીના મુદ્દાનો સમાવેશ થાય છે.
માનવામાં આવી રહ્યું છે કે લોકસભાના વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી આ મુદ્દાને સદનમાં જોરદાર રીતે ઉઠાવશે. રાહુલ ગાંધીની સાથે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સહિત અન્ય વિપક્ષી નેતાઓ પણ આ મહત્વના મુદ્દાઓ પર સરકારને ઘેરતા જોવા મળી શકે છે, જેના કારણે આ સત્ર અત્યંત ગરમાગરમ રહેવાની સંભાવના છે.



