
નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ 15મી સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લેશે, હાલ ભાદરવાની આકરી ગરમી પડી રહી છે. નવરાત્રી બાદ ગરમીમાંથી રાહત મળે તેવી આશા છે.
ત્યારે એવી આગાહી કરવામાં આવી રહી છે કે આગામી શીયાળા દરમિયાન ભારતમાં કડકડતી ઠંડી પડી શકે છે. લા નીનાની સંભવિત અસરને કારણે ભારતમાં લાંબો સમય કોલ્ડ વેવ રહી શકે છે.
સ્પેનિશ શબ્દ લા નીનાનો અર્થ “નાની છોકરી” થાય છે. મધ્ય અને પૂર્વ-મધ્ય વિષુવવૃત્તીય પેસિફિક મહાસાગરની સપાટી અસામાન્ય રીતે ઠંડી થઇ જવાની ઘટનાને લા નીના કહેવામાં આવે છે. આ કુદરતી રીતે બનતી ઘટના છે.
જેની અસર વૈશ્વિક હવામાન પર થાય છે. જે વર્ષે લા નીનાની સ્થિતિ સર્જાઈ ત્યારે ઉત્તર ભારતમાં વારંવાર કોલ્ડ વેવ આવે છે અને લાંબા સમય સુધી રહે છે, આ વર્ષે પણ ભારતમાં કડકડતી ઠંડી પડે એવી શક્યતા છે.
હવામાન નિષ્ણાંતોએ અનુમાન લગાવ્યું છે કે આ વર્ષના અંત સુધીમાં લા નીનાની સ્થિતિ ઉભી થઇ શકે છે, જેની અસર દુનિયાભરના હવામાનમાં પડશે.
યુએસ નેશનલ વેધર સર્વિસના ક્લાઈમેટ પ્રિડિક્શન સેન્ટરના જણાવ્યા મુજબ ઓક્ટોબર-ડિસેમ્બર 2025 વચ્ચે લા નીનાની સ્થિતિ ઉભી થવાની 71% સંભાવના છે. ડિસેમ્બર 2025-ફેબ્રુઆરી 2026 વચ્ચે લા નીના સંભાવના 54% છે.
ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા મુજબ તેમના મોડેલો મુજબ ઓક્ટોબર-ડિસેમ્બરમાં લા નિનાની સ્થિતિ ઉભી થવાની સંભાવના 50% થી વધુ છે.
લા નિનાને કારણે ભારતમાં શિયાળો સામાન્ય કરતાં વધુ ઠંડો રહે છે. જોકે ક્લાઈમેટ ચેન્જને કારણે ઠંડક ઓછી રહી શકે છે, પરંતુ કોલ્ડ વેવનો સમયગાળો વધી શકે છે.
સ્કાયમેટ વેધરના જણાવ્યા મુજબ 2024 ના અંતમાં પણ લા નીનાની સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે નવેમ્બરથી જાન્યુઆરી સુધી ટૂંકા ગાળાની લા નીનાની અસર વરતાઈ હતી.
આ પણ વાંચો…ઠંડી એટલી પડે છે કે ખાવામાં કન્ટ્રોલ રહેતો નથી, તો પછી વજન વધે તેનું શું ?