
કાંગડા : દુબઈમાં એર- શો દરમિયાન તેજસ જેટ વિમાન ક્રેશમાં શહીદ એરફોર્સના વિંગ કમાન્ડર નમાંશ સ્યાલના પાર્થિવ દેહને શનિવારે યુએઈથી ભારત લવાયો હતો. જયારે રવિવારે સવારે તેમના પાર્થિવ દેહને હિમાચલના કાંગડા એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાં એરફોર્સના અધિકારીઓ અને સ્થાનિક લોકો તથા પરિજનો અંતિમ સન્માન આપ્યું.
વિંગ કમાન્ડર અફસાનાએ તેમના પતિને સલામ કરી
આ પૂર્વે એરપોર્ટ પર તેમની પત્ની વિંગ કમાન્ડર અફસાના તેમની સાત વર્ષની પુત્રી અને તેમના માતાપિતા મૃતદેહને જોવા માટે પહોંચ્યા હતા. વિંગ કમાન્ડર અફસાના અશ્રુભરી આંખોએ તેમની પુત્રીનો હાથ પકડીને સ્કેટ તરફ લઈ ગઈ હતી. વિંગ કમાન્ડર અફસાનાએ તેમના પતિને સલામ કરી. આંખોમાં આંસુ હોવા છતાં તેને સંપૂર્ણ હિંમત અને ગૌરવ સાથે ઉભી રહી હતી. તેમના પતિ પ્રત્યે આદર વ્યક્ત કર્યો છે.
નમાંશ અને અફસાનાના ઘણા સપના હતા
તેજસ જેટ વિમાન ક્રેશમાં શહિદ થનારા એરફોર્સના વિંગ કમાન્ડર હિમાચલ પ્રદેશના કાંગડાના વતની છે. તેમણે પ્રેમ લગ્ન કર્યા હતા. તેમની પત્ની પણ ભારતીય વાયુસેનામાં અધિકારી છે. નમાંશ અને અફસાનાના ઘણા સપના હતા. તેમણે સાથે મળીને દેશની રક્ષા કરવાની શપથ લીધી હતી. પરંતુ તેજસ વિમાન ક્રેશ થતાં આ 16 વર્ષનો સાથે એક ક્ષણમાં જ પૂર્ણ થયો હતો.
પાર્થિવ શરીરને મૂળ ગામ લઈ જવામાં આવ્યું
કાંગડા એરપોર્ટથી વિંગ કમાન્ડર નમાંશ સ્યાલના પાર્થિવ શરીરને તેમના વતન નાગરોટા બાગવાન લઈ જવામાં આવશે. જ્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ પહેલા તેમના પાર્થિવ શરીરને એરફોર્સ સ્ટેશન સુલુર (તમિલનાડુ) લઈ જવામાં આવ્યું હતું, જ્યાં અધિકારીઓએ અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. વિંગ કમાન્ડર સ્યાલ ભારતીય વાયુસેનાના નંબર 45 સ્ક્વોડ્રન ફ્લાઇંગ ડેગર્સ સાથે સંકળાયેલા હતા.
શિસ્ત અને ઉત્તમ સેવા રેકોર્ડ માટે જાણીતા હતા
નાગરોટા બાગવાનના વતની વિંગ કમાન્ડર નમાંશ સ્યાલ તેમના શિસ્ત અને ઉત્તમ સેવા રેકોર્ડ માટે જાણીતા હતા. તેમણે હમીરપુર જિલ્લાના સુજાનપુર તિરામાં આવેલી સૈનિક સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. તેમના પિતા જગનનાથ નિવૃત્ત સૈન્ય અધિકારી હતા અને બાદમાં હિમાચલ પ્રદેશ શિક્ષણ વિભાગના આચાર્ય બન્યા હતા.



