કોણ હશે 18મી લોકસભામાં અધ્યક્ષ ? 26 મીએ ઉઠી જશે અધ્યક્ષ નામ પરથી રહસ્યનો પડદો….

નવી દિલ્હી: દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામો બાદ સતત ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વડાપ્રધાન પદની ધુરા સંભાળી છે અને તમામ મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરી દેવાયા બાદ તેઓએ પોતાનો પદભાર પણ સંભાળી લીધો છે. જ્યારે હવે સૌની નજર લોકસભાના સ્પીકર પર છે અને હવે તેને લઈને પણ રહેલું સસ્પેન્સ ખતમ થવા જઈ રહ્યું છે. કારણ કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે અને આગામી 26 જૂનના રોજ સ્પીકર પદની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જો કે 27 મીએ રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોને સંબોધવાના છે. અને તે જ દિવસે પ્રોટેમ સ્પીકર દ્વારા નવા ચૂંટાયેલ સાંસદોને લોકસભામાં શપથ લેવડાવવામાં આવશે.
લોકસભા અધ્યક્ષ પદ ભારતીય જનતા પાર્ટી (BJP) પોતાની પાસે રાખવા જઈ રહી છે. જેથી 18મી લોકસભામાં પણ ભાજપના સાંસદ લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાશે. મીડિયાના અહેવાલોને નકારતા કાઢતા ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે લોકસભા અધ્યક્ષ પદ માટે કોઈ ગઠબંધનની પાર્ટી તરફથી કોઈ માંગ આવી નથી. ભાજપ ટૂંક સમયમાં જ પાર્ટી સ્તરે તેના પર વિચાર કરશે અને પાર્ટી નામ પર નિર્ણય લેશે તે પછી એનડીએના સહયોગીઓ સાથે પણ ચર્ચા કરીને તે નામ પર સર્વસંમતિ બનાવવામાં આવશે.
2014માં મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં મધ્યપ્રદેશના ઈન્દોરથી ભાજપના સાંસદ સુમિત્રા મહાજન સ્પીકર તરીકે ચૂંટાયા હતા અને બીજી ટર્મમાં રાજસ્થાનના કોટાથી ભાજપના સાંસદ ઓમ બિરલા લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા હતા, પરંતુ આ ત્રીજી મુદતમાં ભાજપ પાસે 2014 અને 2019ની જેમ બહુમતી નથી. આથી એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે TDP લોકસભાના અધ્યક્ષ પદની માંગ કરી રહી છે. ઘણી જગ્યાએ તો જેડીયુને લોકસભાના સ્પીકર તરીકે પસંદ કરવાના સમાચાર પણ સામે આવ્યા હતા, પરંતુ ભાજપના વરિષ્ઠ નેતાઓએ આ અહેવાલોને માત્ર અટકળો ગણાવીને ફગાવી દીધા હતા.
સૂત્રો પાસેથી અનુસાર વડાપ્રધાન મોદી તેમના વિદેશ પ્રવસ્થી પરત ફરે ત્યારબાદ લોકસભાના નવા અધ્યક્ષના નામ પર ચર્ચા કરવામાં આવશે. સૌપ્રથમ પાર્ટી સ્તરે ભાજપ લોકસભાના અધ્યક્ષના નામ પર ચર્ચા કરશે અને ત્યારબાદ ગઠબંધનના સાથી પક્ષો સાથે નામ પર ચર્ચા કરવામાં આવશે. જો કોઈ સાથી પક્ષો આ પદ માટે માંગ કરે છે તો ભાજપ તેના પર વિચાર કરશે. આગામી 24 જૂનથી લોકસભાનું સત્ર મળી રહ્યું છે ત્યારે જો વિપક્ષ અધ્યક્ષ પદ માટે ઉમેદવાર જાહેર કરે છે તો ચૂંટણી થશે અન્યથા તેની કોઈ જરૂર નહિ રહે.