નવી દિલ્હી: અવકાશની યાત્રા કરવી એ કોઇપણ વ્યક્તિ માટે યાદગાર અનુભવ હોય છે. અમેરિકાની અવકાશ એજન્સી NASAના પ્રમુખ તથા સેનેટર બિલ નેલ્સને આ વાત કહી હતી. NASA આવતા વર્ષના અંતમાં 2 અઠવાડિયાના વૈજ્ઞાનિક મિશન માટે ભારતીય અવકાશયાત્રીને તાલીમ આપવા જઇ રહ્યા છે.
જ્યારે NASA પ્રમુખને પૂછવામાં આવ્યું કે શું ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અવકાશમાં જઇ શકે? તો તેમણે ઉત્તરમાં કહ્યું હતું કે તેઓ પોતે ખગોળીય બાબતો પ્રત્યે ઘણો ઉત્સાહ ધરાવે છે, અવકાશી મુસાફરી કરવી એ કોઇપણ રાજનેતા માટે અત્યંત યાદગાર અનુભવ હોઇ શકે છે.. અવકાશમાં કોઇ સરહદો નથી હોતી.. કોઇ ધાર્મિક-જાતિ આધારિત ભેદભાવ નથી હોતો.. અવકાશમાં સૌકોઇ એક પૃથ્વીના નાગરિક હોય છે. બિલ નેલ્સને જણાવ્યું હતું કે આર્ટેમિસ પ્રોગ્રામમાં ભારતે પોતાની ભૂમિકા સુનિશ્ચિત કરવી પડશે. આર્ટેમિસ પ્રોગ્રામ મંગળ ગ્રહ પર માનવ મોકલવાના મિશનના ભાગરૂપે ચંદ્ર પર મનુષ્યને મોકલવાની પરિયોજના છે.
NASA આ પરિયોજના હેઠળ મહિલા તથા પહેલા અશ્વેત વ્યક્તિને ચંદ્ર પર મોકલવાની યોજના બનાવી રહ્યું છે. તેણે જણાવ્યું છે કે ભારત આ મિશનમાં સક્રિય ભાગીદાર હોઇ શકે છે. આર્ટેમિસ પરિયોજના હેઠળ NASAને ભારત પાસેથી ઘણી અપેક્ષાઓ છે, આંતરરાષ્ટ્રીય સ્તરે વાણિજ્યિક ભાગીદારી માટે તેમને સહયોગની જરૂરિયાત હશે, તેવું બિલ નેલ્સને જણાવ્યું હતું.
લગભગ 50 વર્ષ બાદ નાસાના અવકાશયાત્રીઓ દ્વારા ચંદ્ર પરની આ પ્રથમ સફર હશે. નીલ આર્મસ્ટ્રોંગ અને એડવિન એલ્ડ્રિન 1969માં ચંદ્ર પર ઉતરનારા પ્રથમ અવકાશયાત્રીઓ હતા.
આર્ટેમિસ પ્રોગ્રામ કરતાં પણ NASA અને ISROનો વિશેષ સંયુક્ત પ્રોજેક્ટ ‘NISAR ઉપગ્રહ’ અથવા “NASA ISRO સિન્થેટિક એપર્ચર રડાર સેટેલાઇટ” છે. NASA અને ISRO વચ્ચે સમાન ભાગીદારી હેઠળ સંચાલિત આ ઉપગ્રહ વર્ષ 2024માં શ્રીહરિકોટાથી લોન્ચ થશે. આ ઉપગ્રહ આબોહવા પરિવર્તન અને પૃથ્વીમાં થતા ફેરફારો પર નજર રાખશે.