
નવી દિલ્હીઃ દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના અચાનક રાજીનામા બાદ દેશભરમાં ચર્ચાઓ અને અટકળોએ જોર પકડ્યું છે. સ્વાસ્થ્યનું કારણ આપી ધનખડે રાજીનામું આપી દીધું છે અને તેને સ્વીકારવામાં આવ્યું છે ત્યારે હવે આ પદ પર કોણ બેસશે, તેની અટકળો ચાલે તે સ્વાભાવિક છે.
ધનખડે રાજકીય કારણોસર રાજીનામુ ધરી દીધું હોવાના વિપક્ષોના આક્ષેપો વચ્ચે આ પદના દાવેદારોમાં એક નામ સોશિયલ મીડિયાથી માંડી રાજકીય વર્તુળોમાં ચર્ચાના ચકડોળે છે તે છે બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારનું.
બિહારનું મુખ્ય પ્રધાનપદ ભાજપને?
નીતિશ કુમાર આ પદ માટે સૌથી વધારે ચર્ચાતુ નામ બની ગયા છે. આગલા મહિને બિહારમાં ચૂંટણીની તારીખો જાહેર થાય તેવી સંભાવના છે. ઑક્ટોબર-નવેમ્બરમાં બિહારને નવી વિધાનસભા મળી જશે. નીતિશ કુમારની પાર્ટી જેડીયુ અને ભાજપનું બિહારમાં ગઠબંધન છે, પરંતુ આ ગઠબંધન ટકાવી રાખવામાં સૌથી મોટી બાધા છે બિહારના મુખ્ય પ્રધાનનું પદ. નવ વાર મુખ્ય પ્રધાન બની ચૂકેલા નીતિશ આ પદ છોડવા તૈયાર નથી અને ભાજપને આ પદ કોઈપણ હિસાબે જોઈએ છે. આથી નીતિશને ઉપરાષ્ટ્રપતિનું પદ આપી દેવામાં આવે અને બદલામાં બિહારમાં જો સરકાર બને તો ભાજપી ચહેરો મુખ્ય પ્રધાનપદ પર બેસે, તેવી અટકળો અને ચર્ચાઓ ચાલી રહી છે.
નીતિશ-ભાજના નેતાઓએ કર્યો ઈશારો ?
સોશિયલ મીડિયા પર ચાલતી આ અટકળોને નીતિશ સરકારના બે પ્રધાનોએ ગંભીર સ્વરૂપ આપ્યું છે. નિરજ કુમાર સિંહ બબલૂએ મીડિયા સાથે આ મામલે વાત કરતા જણાવ્યું છે કે જો નીતિશકુમારને ઉપરાષ્ટ્રપતિ પદ પર બેસાડવામાં આવે તો સારી વાત છે, તેમાં સમસ્યા ક્યા છે, તેઓ બનવા જોઈએ. જ્યારે સાથીપક્ષ ભાજપના વિધાનસભ્ય હરિભૂષણ ઠાકુરે જણાવ્યું છે કે ધનખડે સ્વાસ્થ્યના કારણે રાજીનામું આપ્યું છે, પણ જો નીતિશકુમાર આ પદ પર બેસશે, તો બિહારના લોકો ખુશ થશે.
જોકે આ માત્ર ચર્ચાઓ અને અટકળો છે, જેડયુ કે ભાજપ પક્ષ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.
આ પણ વાંચો…11 દિવસમાં એવું તે શું થયું કે ઉપરાષ્ટ્રપતિ પદેથી ધનખડે આપ્યું રાજીનામું, વાંચો ઈનસાઈડ સ્ટોરી