
ચંદીગઢ: છેલ્લા ઘણા સમયથી કંગના કોઇને કોઇ રીતે લાઇમ લાઇટ રહે છે. ત્યારે હમણાં એવી વાત પણ જાણવા મળી છે કે કંગના હવે ચંદીગઢથી ચૂંટણી લડી રહી છે. જો કે કિરણ ખેર બે વખત ચંદીગઢથી સાંસદ રહી ચૂકી છે પરંતુ આ વખતે કિરણ ખેર ચૂંટણી ચંદીગઢથી લડી રહી નથી ત્યારે બોલીવુડની જાણીતી અભિનેત્રી કંગના રનૌત ચંદીગઢ લોકસભા બેઠક પરથી મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહી છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટી બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરાને પણ મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહી છે.
ત્યારે છેલ્લા 10 વર્ષથી સાંસદ તરીકે કામ કરી રહેલી કિરણ ખેર પોતાના નિવેદનોને કારણે ઘણીવાર ચર્ચામાં રહી છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે ચંદીગઢના સાંસદ કિરણ ખેર સામાન્ય લોકોની સમસ્યાઓ સાંભળવા માટે ક્યારેય મેદાનમાં દેખાતા નથી. ત્યારે ભાજપ કિરણ ખેરના સ્થાને નવા ચહેરાને મેદાનમાં ઉતારે તો નવાઇ નહિ. તો વળી કંગના રનૌત છેલ્લા કેટલાક સમયથી ભાજપના દરેક નિર્ણયને સમર્થન આપી રહી છે. જેના કારણે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ભાજપ આગામી લોકસભા ચૂંટણીમાં ચંદીગઢથી કંગના રનૌતને મેદાનમાં ઉતારી શકે છે.
જો કે આ ઘટના પર પ્રતિક્રિયા આપતા કંગનાએ જણાવ્યું હતું કે મારા સંબંધીઓ અને મિત્રો મને એમ માની રહ્યા છે કે હું રાજનિતીમાં સક્રીય થઇશ પરંતુ મારા માટે હાલ મારી પ્રાયોરિટી અલગ છે. જો કે રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે કદાચ આમ આદમી પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના નેતા અને પંજાબના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાની પત્ની બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાને પોતાનો નવો ઉમેદવાર બનાવી શકે છે. જો કે તે પણ હજુ એક ચર્ચા જ છે.