પંઢરપુરની વારીમાં રાહુલ ગાંધીના સામેલ થવાનો વારો આવશે કે નહીં?
યશ રાવલ
મુંબઈઃ આખા દેશમાં મહત્ત્વના તીર્થ સ્થળોનું જેવું મહત્ત્વ છે તેવું જ મહત્ત્વ મહારાષ્ટ્રના પંઢરપુરમાં આવેલા વિઠ્ઠલ ભગવાનનું છે અને તેમાં પણ અષાઢ મહિનો શરૂ થયો છે ત્યારે અષાઢી વારીનું અનેરું મહત્ત્વ ખાસ કરીને મહારાષ્ટ્રમાં અને વારકરી સંપ્રદાયમાં જોવા મળે છે. જોકે, લોકસભાની ચૂંટણી અને ત્યારબાદ શરૂ થયેલું સંસદનું તોફાની સત્ર, મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી તેમજ ઓક્ટોબર મહિનામાં યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઇને મહારાષ્ટ્રનું રાજકારણ ગરમ છે ત્યારે મહારાષ્ટ્રના નાથ વિઠ્ઠલ ભગવાનની અષાઢી વારીના મુદ્દે પણ રાજકારણ ચગ્યું છે.
આ પણ વાંચો: રાહુલ ગાંધીનું નિવેદન હિન્દુઓનું અપમાન : અમિત શાહ
મંગળવારે એનસીપી(શરદચંદ્ર પવાર)ના વડા શરદ પવાર દિલ્હીમાં રાહુલ ગાંધીને મળ્યા હતા અને એ દરમિયાન તેમણે રાહુલ ગાંધીને અષાઢી વારીનું મહત્ત્વ સમજાવ્યું હતું અને રાહુલ ગાંધીને વારીમાં સામેલ થવાનું આમંત્રણ પણ આપ્યું હતું. રાહુલ ગાંધીએ પણ તે ટૂંક સમયમાં વારીમાં સામેલ થવા વિશે વિચારીને કહેશે તેવો જવાબ પવારને આપ્યો હતો.
જોકે, હાલમાં જ સંસદમાં હિંદ સમાજ વિશે વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ રાહુલ ગાંધીનો વિરોધ થઇ રહ્યો છે અને હિંદુઓને હિંસક કહેવા બદલ ભાજપ સહિતના સત્તાધારી પક્ષો તેમ જ સંત સમાજ રાહુલ ગાંધી તેમના નિવેદન બદલ માફી માગે તેવી માગણી કરી રહ્યો છે, તેવામાં વારીનું આયોજન કરતા તેમ જ વિઠ્ઠલ ભગવાન જેમના આરાધ્ય છે તેવા વારકરી સંપ્રદાય દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: હિંદુત્વ લોકોમાં ભય અને નફરત ફેલાવતું નથી: રાહુલ ગાંધી
વારકરી સંપ્રદાય દ્વારા રાહુલ ગાંધીના વારીમાં સામેલ થવા વિશે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. વારકરી સંપ્રદાયના નેતા આચાર્ય તુષાર ભોંસલેએ રાહુલ ગાંધીનો વિરોધ કરતા જણાવ્યું હતું કે હિંદુઓને હિંસક ગણાવનારા રાહુલ ગાંધીને વારીમાં આમંત્રણ આપવાનો શરદ પવારને શું અધિકાર છે?
ઇફ્તાર પાર્ટી આપનારાના પગ વારી તરફ કેમ ન વળ્યા?
આચાર્ય તુષાર ભોંસલેએ શરદ પવારની પણ ટીકા કરી હતી અને કહ્યું હતું કે શરદ પવારના ગામથી જ સેંકડો વર્ષોથી દર વર્ષે તુકોબા(સંત તુકારામ)ની પાલખી નીકળે છે, પરંતુ 84 વર્ષના જીવનમાં ક્યારેય તેમના પગ વારી તરફ વળ્યા નથી, તો તે ક્યા મોંએ રાહુલ ગાંધીને વારીમાં સામેલ થવાનું આમંત્રણ આપી રહ્યા છે? કાયમ ઇફ્તાર પાર્ટી આપનારા શરદ પવાર અને રાહુલ ગાંધીને આજ સુધી ક્યારેય વારી કે વારકરી ન દેખાયા. હવે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વારી તરફ નજર પડી છે તે ન જાણી શકે તેવી ભોળી મહારાષ્ટ્રની પ્રજા નથી, તેમ ભોંસલેએ જણાવ્યું હતું.