શું ભારત-પાકિસ્તાનના સંબંધોમાં આવશે સુધાર? શહબાઝ શાંતિ મંત્રણા માટે તૈયાર | મુંબઈ સમાચાર

શું ભારત-પાકિસ્તાનના સંબંધોમાં આવશે સુધાર? શહબાઝ શાંતિ મંત્રણા માટે તૈયાર

ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવિધ મુદ્દે ઘણા મતભેદ અને તણાવો ચાલી રહ્યા છે. ખાસ કરીને પહેલગામ હુમલા બાદ બંને દેશો વચ્ચે થયેલી લશ્કરી કાર્યવાહી બાદ આ તણાવમાં વધારો થયો છે. ત્યારે હવે પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે ભારત સાથેના તમામ વિવાદો ઉકેલવા માટે વાતચીનની તૈયારી દર્શાવી છે. આ નિવેદન તેમણે બ્રિટિશ હાઈ કમિશનર જેન મેરિયટ સાથે ઇસ્લામાબાદમાં થયેલી મુલાકાત દરમિયાન આપ્યું હતું.

શહબાઝ શરીફે બ્રિટનની હાઈ કમિશનર સાથેની બેઠકમાં જણાવ્યું કે પાકિસ્તાન ભારત સાથેના તમામ મુદ્દાઓ પર ખુલ્લી અને રચનાત્મક ચર્ચા માટે તૈયાર છે. આ ઉપરાંત બેઠકમાં દ્વિપક્ષીય સંબંધો ઉપરાંત દક્ષિણ એશિયા અને પશ્ચિમ એશિયાના વર્તમાન પરિસ્થિતિ અંગે પણ વાતચીત થઈ. શરીફે ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવને ઘટાડવામાં બ્રિટનની ભૂમિકાની પણ પ્રશંસા કરી, જે બંને દેશો વચ્ચે શાંતિની શક્યતાઓને દર્શાવે છે.

ભારતે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે તે પાકિસ્તાન સાથે માત્ર બે મુદ્દાઓ – પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળના કાશ્મીર (PoK)ની વાપસી અને આતંકવાદ – પર જ વાતચીત કરશે. મે 2025માં પહેલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતે ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન અને PoKમાં આતંકી ઠેકાણાઓ પર હુમલા કર્યા હતા. આ ઘટનાએ ચાર દિવસ સુધી ભારે તણાવ ઊભો કર્યો હતો, જે 10 મેના રોજ બંને દેશોના સૈન્ય કાર્યવાહી રોકવાના સમજૂતી સાથે સમાપ્ત થયો.

શહબાઝ શરીફે બ્રિટન સરકારના પાકિસ્તાન ઇન્ટરનૅશનલ એરલાઇન્સ (PIA)ની ઉડાનો ફરી શરૂ કરવાના નિર્ણયનું સ્વાગત કર્યું. તેમણે જણાવ્યું કે આ નિર્ણયથી બ્રિટનમાં રહેતા પાકિસ્તાની સમુદાયને મોટી રાહત મળશે અને બંને દેશોના લોકો વચ્ચેના સંબંધો વધુ મજબૂત થશે. આ પગલું બંને દેશો વચ્ચેના આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને પણ નવી ગતિ આપશે.

શહબાઝ શરીફનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સતત તણાવનો સામનો કરી રહ્યા છે. બ્રિટનની મધ્યસ્થી અને શરીફની વાતચીતની તૈયારી શાંતિની નવી આશા જગાવે છે, પરંતુ ભારતની સ્પષ્ટ શરતો આ ચર્ચાઓની દિશા નક્કી કરશે. આવનારા દિવસોમાં આ મુદ્દે વધુ વિકાસ થવાની શક્યતા છે.

આ પણ વાંચો…વેપાર કરારના નામે યુદ્ધ અટકાવ્યુ, ભારત-પાકિસ્તાન સંઘર્ષ પર ટ્રમ્પનો નવો દાવો

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button