ઝારખંડમાં ઊથલપાથલના એંધાણઃ મુખ્ય પ્રધાનપદે પહેલી વખત મહિલાની વરણી થઈ શકે
ઝારખંડ: નવા વર્ષના પહેલા દિવસથી જ ઝારખંડમાં રાજકીય વાતાવરણમાં પલટો થાય તેવા આસાર જોવા મળી રહ્યા છે. આવું થવાનું કારણ એ ચે કે રાજ્યમાં સત્તા પર રહેલા ઝારખંડ મુક્તિ મોરચાના ગાંડેના ધારાસભ્ય ડૉ. સરફરાઝ અહેમદે વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ ગોડ્ડાથી ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ સોશિયલ મીડિયા પર એવો દાવો કર્યો હતો કે હવે હેમંત સોરેન મુખ્ય પ્રધાન પદ પરથી રાજીનામું આપશે અને તેની પત્ની કલ્પના સોરેન ઝારખંડના આગામી મુખ્ય પ્રધાન બનશે.
નિશિકાંત દુબેએ એવું પોસ્ટ કર્યું હતું કે ઝારખંડના ગાંડે વિસ્તારના ધારાસભ્ય સરફરાઝ અહેમદે વિધાનસભામાંથી રાજીનામું આપ્યું અને તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું હતું. ત્યારે હવે હેમંત સોરેન જી મુખ્ય પ્રધાનપદ પરથી રાજીનામું આપશે. અને ઝારખંડના આગામી મુખ્ય પ્રધાન તેમના પત્ની કલ્પના સોરેન હશે. નવા વર્ષ માટે સોરેન પરિવાર માટે ઘણું તકલીફ વાળું બની શકે છે.
નિશિકાંત દુબેએ સોશિયલ મીડિયા પર એક બીજી પોસ્ટ પણ શેર કરી હતી જેમાં તેમણે લખ્યું હતું કે રાજ્યપાલે કાનૂની સલાહ લેવી જોઈએ કારણકે ઝારખંડ વિધાનસભાની રચના 27 ડિસેમ્બર 2019ના રોજ કરવામાં આવી હતી અને સરફરાઝ અહેમદે 31 ડિસેમ્બરના રોજ રાજીનામું આપ્યું તો શું એક વર્ષથી ઓછા સમયમાં ચૂંટણીઓ યોજી શકાય છે? ખરેખર તો આ પાર્ટી હેમંત સોરેનની નહિ, પરતું શિબુ સોરેનની છે. જેમાં સીતા સોરેન અને બસંત સોરેન ધારાસભ્યો છે. તો શું ચંપાઈ, મથુરા, સાઈમન, લોબીન, અને નલિનની પાર્ટીની હાલત આટલી ખરાબ છે? જો કે આ બધા મળીને જે પણ રાજનીતિ કરતા હોય, પરંતુ એનડીએ કોઈપણ સંજોગોમાં ગાંડેની સીટ જીતશે જ.
આ ઉપરાંત, બીજેપી સાંસદે ત્રીજી પોસ્ટ પણ કરી હતી જેમાં લખ્યું હતું કે મુંબઈ હાઈ કોર્ટના ચુકાદા પ્રણાણે હવે ગાંડેમાં ચૂંટણી નહીં થાય. જ્યારે મહારાષ્ટ્રમાં આવી જ એક ઘટના બની ત્યારે મહારાષ્ટ્રની કાટોલ વિધાનસભા ખાલી પડી કારણ કે તે સમયે વિધાનસભાનો કાર્યકાળ 1 વર્ષ 50 દિવસ માટે ખાલી હતો. રાજ્યપાલ સાહેબ, કલ્પના સોરેન જો તે ધારાસભ્ય પણ ના બની શકે, તો તમે તેને મુખ્ય પ્રધાન કેવી રીતે બનાવશો? કોંગ્રેસ ઝારખંડને વેરવિખેર કરવાનો પ્રયાસ કરી રહી છે.