.. તો શું ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની નિકટતાને લીધે Elon Musk નાગરિકતા ગુમાવશે, કેનેડામાં આક્રોશ

નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઇલોન મસ્કની(Elon Musk)નિકટતા તેમને નુકશાન પહોંચાડી શકે તેમ છે. હાલમાં અમેરિકા કેનેડાથી ખરીદાતી તમામ આવશ્યક ચીજવસ્તુઓ પર 25 ટકા ટેરિફ લાદવાની યોજના બનાવી રહ્યા છે. જેના પગલે હવે ઇલોન મસ્ક કેનેડામાં નારાજગીનો સામનો કરી રહ્યા છે.
મળતી માહિતી મુજબ કેનેડામાં 250,000 થી વધુ નાગરિકો અને રહેવાસીઓએ એક સંસદીય અરજી પર હસ્તાક્ષર કર્યા છે જેમાં કેનેડાને ઈલોન મસ્કની નાગરિકતા અને પાસપોર્ટ રદ કરવા વિનંતી કરવામાં આવી છે. અરજદારોનો દાવો છે કે ઇલોન મસ્કના યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના સંબંધો કેનેડાના રાષ્ટ્રીય હિતની વિરુદ્ધ છે.
આપણ વાંચો: Donald Trump ના શપથ ગ્રહણ પૂર્વે ચીનની નવી રણનીતિ, રાજદૂતની ઇલોન મસ્ક સાથે મુલાકાત
કેનેડાના સાર્વભૌમત્વને નુકશાન કરવાનો પ્રયાસ
આ અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે મસ્કે પોતાની સંપત્તિ અને શક્તિનો ઉપયોગ આપણી ચૂંટણીઓને પ્રભાવિત કરવા માટે કર્યો છે. હવે તે એક વિદેશી સરકારના સભ્ય બની ગયા છે જે કેનેડાના સાર્વભૌમત્વને નુકશાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
કેનેડા વાસ્તવિક દેશ નથી : ઇલોન મસ્ક
હાલ, ટેક અબજોપતિ ઈલોન મસ્ક દક્ષિણ આફ્રિકા, કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સના નાગરિક છે. જાન્યુઆરીમાં શરૂ થયેલા ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન મસ્ક તેમના સૌથી અગ્રણી સાથીઓમાંના એક બની ગયા છે. આ અરજીના સમાચાર સામે આવ્યા પછી, મસ્કે તેમના સોશિયલ મીડિયા નેટવર્ક X પર લખ્યું, ‘કેનેડા વાસ્તવિક દેશ નથી.’
આપણ વાંચો: મસ્ક ભારતમાં ટેસ્લા ફેક્ટરી શરૂ કરે તેમાં પણ ટ્રમ્પને ઝટકા લાગ્યાઃ જાહેરમાં કહી દીધું કે…
આ અરજીમાં કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોને ઈલોન મસ્કની બેવડી નાગરિકતા રદ કરવા અને તેમનો કેનેડિયન પાસપોર્ટ તાત્કાલિક અસરથી રદ કરવાની માંગ કરવામાં આવી છે. જોકે, મસ્કે કાયદેસર રીતે કેનેડિયન નાગરિકતા મેળવી છે. જેને ટ્રુડોની સરકાર રદ કરી શકતી નથી.
ઇલોન મસ્ક પાસે ત્રણ દેશોની નાગરિકતા
દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયામાં જન્મેલા ઇલોન મસ્કે કહ્યું હતું કે તેમને કેનેડિયન નાગરિકતા તેમની માતા મેય મસ્ક પાસેથી વારસામાં મળી છે. તેમનો જન્મ કેનેડામાં થયો હતો. મસ્કના મતે તેણે કિશોરાવસ્થામાં કેનેડિયન પાસપોર્ટ મેળવ્યો હતો. વિદ્યાર્થી વિઝા પર યુનાઇટેડ સ્ટેટ્સ આવ્યાના એક દાયકા પછી મસ્કે યુએસ નાગરિકતા મેળવી.
કેનેડાના હાઉસ ઓફ કોમન્સ અનુસાર એક અરજી માટે ઓછામાં ઓછા પાંચ કેનેડિયનોનો પ્રારંભિક ટેકો, એક સાંસદની મંજૂરી અને સહીઓ સબમિટ કરતા પહેલા પ્રારંભિક સમીક્ષાની જરૂર પડે છે.
અરજી હાઉસ ઓફ કોમન્સમાં ચર્ચા માટે રજૂ કરી શકાય
મસ્કની નાગરિકતા રદ કરવાની અરજી 20 જૂન, 2025 સુધી ખુલ્લી રહેશે. ત્યારબાદ અરજી ક્લાર્કે સાબિત કરવું પડશે કે તેના ઓછામાં ઓછા 500 સહીઓ માન્ય છે. ત્યારબાદ સંસદનું નવું સત્ર શરૂ થાય ત્યારે આ અરજી હાઉસ ઓફ કોમન્સમાં ચર્ચા માટે રજૂ કરી શકાય છે. જ્યારે ડાબેરી ન્યુ ડેમોક્રેટિક પાર્ટીના સાંસદ ચાર્લી એંગસને અરજીના પ્રાયોજક તરીકે નામ આપવામાં આવ્યું છે.