નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ પણ આરોપી બનશે? કોર્ટની સુનાવણીમાં EDના વકીલના સવાલ
જાણો 2000 કરોડની સંપત્તિ અને 50 લાખના સોદાનો હિસાબ

નવી દિલ્હી: સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી નેશનલ હેરાલ્ડ કેસમાં ફસાયા છે. એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL)એ કોંગ્રેસ પાસેથી રૂ. 90.25 કરોડનીની વગર વ્યાજની લોન લીધી હતી. આ લોન ચૂકવવામાં ન આવી હોવાનો આરોપ તથા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ ગેરરીતિ આચરી હોવાના આરોપ સાથે દિલ્હીની કોર્ટમાં વર્ષ 2012માં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં કોર્ટમાં થયેલી સુનાવણીમાં કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED)ને કેટલાક પ્રશ્નો કર્યા છે.
કૉંગ્રેસને કેમ આરોપી બનાવવામાં આવી નથી?
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં નેશનલ હેરાલ્ડ કેસની સુનાવણી ચાલી રહી છે. તાજેતરમાં થયેલી સુનાવણીમાં કોર્ટે EDને પ્રશ્ન પૂછ્યો હતો કે, જો કોંગ્રેસે આ લોન માફ કરી દીધી હોત તો શું થાત? બેંકો પણ આવું કરે છે. કોંગ્રેસે લોન માફ કરી દીધી પણ તેને આરોપી બનાવવામાં આવી નથી? તે અન્ય કંપનીઓથી કેવી રીતે અલગ છે? એવું શું ખાસ હતું કે EDએ તેને તપાસ કરવા યોગ્ય માન્યું? પીએસયુ એટલે કે સરકારી કંપનીઓ પણ કરોડો રૂપિયાનું લોન રાઈટ-ઓફ કરે છે.
આ પણ વાંચો: નેશનલ હેરાલ્ડ કેસમાં કોર્ટે રાહુલ-સોનિયા ગાંધીને નોટિસ ફટકારી, જાણો કોર્ટે શું કહ્યું
2000 કરોડની સંપત્તિ 50 લાખમાં આપી?
EDના વકીલ એએસજી વીએસ રાજુએ કોર્ટના પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું કે, બેંકો પાસે પોતાની સંપત્તિ હોતી નથી, તેથી તેમને લોન આપવી પડે છે. આવી સ્થિતિમાં, બેંકો ઉધાર લેનાર સાથે સમાધાન કરે છે. પરંતુ નેશનલ હેરાલ્ડ કેસના કિસ્સામાં, 2000 કરોડ રૂપિયાની સંપત્તિ ઉપલબ્ધ હતી. તો પછી 2000 કરોડ રૂપિયાની સંપત્તિ માત્ર 50 લાખ રૂપિયામાં કેમ આવવામાં આવી?
કોંગ્રેસ પક્ષ પણ તપાસના ક્ષેત્રમાં
EDના વકીલની દલીલ અંગે કોર્ટે ફરીથી પૂછ્યું કે, “શું આ કેસ નોન પરફોર્મિંગ એસેટ (NPA) જેવો હતો? વકીલ રાજુએ જવાબ આપતા કહ્યું હતું કે, “ના, આ કેસમાં સંપત્તિની સંપૂર્ણ કિંમત હતી. કોંગ્રેસ પક્ષ પણ EDની તપાસના ક્ષેત્રમાં આવી શકે છે, આ શક્યતાને નકારી કાઢવામાં આવી નથી.” આમ, પોતાની દલીલ દરમિયાન વકીલ એએસજી વીએસ રાજુએ મોટો સંકેત આપ્યો હતો.
આ પણ વાંચો: નેશનલ હેરાલ્ડ કેસ: નહેરૂ-ગાંધી ખાનદાન દૂધે ધોયેલો નથી
કોંગ્રેસ પણ આરોપી બનશે?
ઉલ્લેખનીય છે કે, EDના જણાવ્યાનુસાર નેશનલ હેરાલ્ડ કેસમાં કૉંગ્રેસને હજુ સુધી આરોપી બનાવવામાં આવી નથી, પરંતુ ભવિષ્યમાં આવું થઈ શકે છે. ED એ કોર્ટને જણાવ્યું કે, જો AICC એટલે કે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીને આરોપી બનાવવામાં આવે, તો રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની ભૂમિકા પીએમએલએની કલમ 70 હેઠળ તેમની સામેના કેસને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે. પરંતુ કૉંગ્રેસને આરોપી બનાવવા માટે EDએ નક્કર પુરાવા રજૂ કરવા પડશે. જોકે, 2014થી ED નેશનલ હેરાલ્ડ કેસમાં થયેલ મની લોન્ડ્રિંગ અંગે તપાસ કરી રહી છે.