ઇન્ડિયા ગઠબંધનને TMCએ આપ્યો ફટકો, બંગાળમાં કોંગ્રેસને માત્ર 2 લોકસભા સીટો ઓફર કરી

કોલકાતાઃ તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ 2024 ની લોકસભાની ચૂંટણી માટે ઇન્ડિયા ગઠબંધનના ભાગીદાર પક્ષ કૉંગ્રેસને માત્ર બે લોકસભા બેઠકોની ઓફર કરી છે, એવી આધારભૂત સૂત્રોએ માહિતી આપી હતી. મમતા બેનરજીની પાર્ટીએ 2019ની લોકસભાની ચૂંટણીમાં 43 ટકા મતો સાથે 22 બેઠકો જીતી હતી. TMCનું એવું માનવું છે કે જે તે રાજ્યમાં જે પક્ષ પ્રભાવશાળી હોય તે પક્ષને સીટ વહેંચણી પર અંતિમ નિર્ણય લેવાની મંજૂરી આપવી જોઈએ. ઇન્ડિયા ગઠબંધનની વાત કરીએ તો પ. બંગાળમાં TMC હાલમાં સૌથી વધુ પ્રભાવશાળી પક્ષ છે અને તે કૉંગ્રેસને વધારે સીટો આપવાના મૂડમાં નથી.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે સીટ-વહેંચણીની સંખ્યા સ્પષ્ટ ફોર્મ્યુલા પર આધારિત છે જેમાં સંસદીય ચૂંટણીઓ અને રાજ્યની વિધાનસભા ચૂંટણીઓ અને તેના પરિણામો પર નજર રાખવામાં આવી છે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે તમામ 42 લોકસભા બેઠકો પર ચૂંટણી લડી હતી, પરંતુ તે માત્ર બે જ બેઠક જીતી શકી હતી – માલદહા દક્ષિણ અને બેરહામપોર.. તેમનો વોટ શેર પણ ઘણો ઓછો હતો. દેશની સૌથી જૂની પાર્ટી કૉંગ્રેસને માત્ર 5.67 ટકા વોટ મળ્યા હતા, જે સીપીઆઈ(એમ) કરતા ઓછા હતા જેમને 6.33 ટકા વોટ મળ્યા હતા.
જોકે, ટીએમસીએ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને ઈન્ડિયા ગઠબંધનના કન્વીનર તરીકેની તેની પસંદગીનો પુનરોચ્ચાર કર્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પાર્ટી પાસે નીતીશ કુમારનો વિરોધ કરવા માટે કંઈ નથી, પણ પાર્ટીનું સ્પષ્ટપણે એવું માનવું છે કે ખડગે વિપક્ષી ગઠબંધનના સંયોજક તરીકે વધુ સારી અસર કરશે. ખડગે લિત સમુદાયમાંથી આવે છે. તેઓ 58 બેઠકો પર પ્રભાવ પાડી શકે છે, સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કેદિલ્હીમાં છેલ્લી વિપક્ષની બેઠકમાં મમતા બેનર્જીએ 2024માં વડાપ્રધાન પદ માટે ખડગેના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો.
જોકે, બાદમાં એવા અહેવાલો પણ આવ્યા હતા કે બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર આ પ્રસ્તાવથી નારાજ છે. એવી અટકળો કરવામાં આવી રહી છે કે નીતીશ ફરીથી પક્ષ બદલી શકે છે ્ને એનડીએમાં સામેલ થઇ શકે છે, કારણ કે RJD કથિત રીતે JDUમાં ભાગલા પડાવીને તેજસ્વી યાદવને મુખ્ય પ્રધાન તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે. હવે, એવા અહેવાલો આવ્યા છે કે નીતીશને ફરીથી એનડીએમાં જોડાતા રોકવા માટે તેમને ઈન્ડિયા બ્લોકના કન્વીનર તરીકે નિયુક્ત કરવામાં આવી શકે છે.



