ભારતને મળશે નવો રેસલર: 8 ફૂટના કરણ સિંહને જોઈને ખલી પણ ચોંક્યો, જુઓ વીડિયો

રેસલિંગની દુનિયામાં ભારતનું નામ રોશન કરનાર ગ્રેટ ખલીની 7 ફૂટ 2 ઇંચની ઊંચાઈએ હંમેશાં ચર્ચામાં રહી છે, પરંતુ હવે તેની હાઈટને પણ ટક્કર મારનારા યુવાનનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થયો છે. એક 17 વર્ષના યુવાનની હાઈટે ખલીને ઉપર જોવા માટે મજબૂર કર્યો છે. મેરઠનો કરણ સિંહ, જેની ઊંચાઈ 8 ફૂટ 2 ઇંચનો છે, તે ખલીની નજરે ચઢ્યો છે. ખલીએ આ યુવાનને WWEનો આગામી સ્ટાર બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી, જે રેસલિંગ ચાહકો માટે રોમાંચક સમાચાર હોઈ શકે છે.
16મી સપ્ટેમ્બરે ગ્રેટ ખલીએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો હતો, જેમાં તેઓ કરણ સિંહ સાથે રેસલિંગ ટ્રેનિંગ જેવા સેટઅપમાં મળ્યા. ખલીએ કરણ સાથે હાથ મિલાવ્યો અને કહ્યું, “જીવનમાં પહેલી વાર મારે કોઈ સાથે વાત કરવા ઉપર જોવું પડ્યું!” તેણે ઉમેર્યું, “આ છોકરો બહુ ઊંચો છે, અને હું તેને WWEનો સ્ટાર બનાવવા માગુ છું.” વીડિયો પોસ્ટ થયા બાદ લોકોએ કમેન્ટનો વરસાદ કર્યો હતો. કેટલાકે કરણને ‘ગ્રેટર ખલી’નું નામ આપ્યું, તો કેટલાકે તેની સરખામણી ‘ધ રોક’ જેવા સ્ટાર્સ સાથે કરી.
ઉત્તર પ્રદેશના મેરઠનો કરણ સિંહ નાનપણથી જ તેની અસાધારણ ઊંચાઈને કારણે ચર્ચામાં રહ્યો છે. 2017માં તે વિશ્વનો સૌથી ઊંચો આઠ વર્ષનો બાળક હતો. હવે 17 વર્ષની ઉંમરે 8 ફૂટ 2 ઇંચનો કરણ સારી ફેન ફોલોઈન ધરાવે છે, જ્યાં તે પોતાના જીવનની ઝલક શેર કરે છે. ખલીની સાથેના તેના વાયરલ વીડિયો અને ફોટાએ ચાહકોમાં તેની WWEમાં તેની એન્ટ્રીની ચર્ચા શરૂ કરી દીધી છે.
ગ્રેટ ખલીએ 2014માં WWEમાંથી નિવૃત્તિ બાદ ભારતમાં CWE રેસલિંગ એકેડમી શરૂ કરી, જ્યાં તે નવા રેસલર્સને તૈયાર કરે છે. 2007માં વર્લ્ડ હેવીવેટ ચેમ્પિયન બનનાર ખલીએ ભારતીય રેસલિંગને વૈશ્વિક સ્તરે પહોંચાડ્યું હતું. તેણે હોલીવુડમાં ‘ધ લોન્ગેસ્ટ યાર્ડ’ (2005) અને ‘ગેટ સ્માર્ટ’ (2008) જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે, આ ઉપરાંત બોલીવુડની ‘કુશ્તી’ (2010)માં જોવા મળ્યા. 2021માં WWE હોલ ઓફ ફેમમાં સામેલ થયેલા ખલીનું કરણને સમર્થન રેસલિંગની દુનિયામાં મોટી અસર કરી શકે છે.
WWEમાં નવો રેસલિંગ સ્ટાર?
WWEમાં એન્ડ્રે ધ જાયન્ટથી લઈને બિગ શો સુધીના ઊંચા રેસલર્સનો ઈતિહાસ રહ્યો છે, અને ખલીએ પણ આ પરંપરાને આગળ વધારી છે. હવે કરણ સિંહ, જે ખલીથી પણ એક ફૂટ ઊંચો છે, તે આ પરંપરાને નવી ઊંચાઈ આપી શકે છે. 17 વર્ષની ઉંમરે તે હજુ રેસલિંગ રિંગમાં દેખાવથી થોડે દૂર હોઈ શકે, પરંતુ ખલીની મદદથી તેનું ભવિષ્ય ઉજ્જવળ લાગે છે. આ મુલાકાતે કરણને રેસલિંગની દુનિયામાં ચર્ચાનું કેન્દ્ર બનાવી દીધું છે.