સોનમ જેવું ષડયંત્ર: પરિવારજનોને મારવા પત્નીએ ભોજનમાં ઊંઘની ગોળીઓ ભેળવી, પછી શું થયું? | મુંબઈ સમાચાર

સોનમ જેવું ષડયંત્ર: પરિવારજનોને મારવા પત્નીએ ભોજનમાં ઊંઘની ગોળીઓ ભેળવી, પછી શું થયું?

બેલૂર: સમગ્ર દેશમાં હાલ સોનમની ચર્ચા છે. પ્રેમી સાથે મળીને પોતાના પતિને મોતને ઘાટ ઉતારનારી આ મહિલાને દેશવાસીઓ ધીક્કારની નજરે જોઈ રહ્યા છે. ત્યારે કર્ણાટકથી પણ આવી જ એક ઘટના સામે આવી છે. બે બાળકોની માતાએ લગ્નેત્તર સંબંધને છૂપાવવા માટે સમગ્ર પરિવારને મોતની નિંદ્રામાં સૂવડાવી દેવાનું કાવતરૂં ઘડી કાઢ્યું હતું.

પ્રેમી સાથે બનાવી પતિના પરિવારને ઝેર આપવાની યોજના

કર્ણાટકના હસન જિલ્લાની વાત છે. ચૈત્રા નામની મહિલાના બેલૂર તાલુકાના ગજેન્દ્ર સાથે લગ્ન થયા હતા. તેમના લગ્નને 11 વર્ષ જેટલો સમય વિતી ચૂક્યો હતો. આ દરમિયાન તેમના ઘરે બે બાળકો પણ જન્મ્યા હતા. જોકે છેલ્લા ત્રણ વર્ષોથી ચૈત્રા અને ગજેન્દ્રના સંબંધોમાં તિરાડ પડવાની શરૂઆત થઈ હતી. બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. આ સમય દરમિયાન ચૈત્રાને પુનિત નામના એક વ્યક્તિ સાથે પ્રેમ થયો હતો. ગજેન્દ્રને પણ તેના વિશે ખબર પડી હતી. જેથી તેણે ચૈત્રાના પરિવારજનોને આ અંગે વાત કરી હતી. જેથી મામલો થાળે પડ્યો હતો.

થોડા સમય બાદ ચૈત્રાએ બેલૂરના રહેવાસી શિવૂ સાથે પ્રેમ સંબંધની શરૂઆત કરી હતી. ચૈત્રાને આશંકા હતી કે તેના આ સંબંધની પણ પતિ ગજેન્દ્રને ખબર પડી જશે. તેથી ચૈત્રાએ શિવૂ સાથે મળીને ગજેન્દ્રના પરિવારને ઝેર આપીને મારી નાખવાની યોજના બનાવી હતી.

યોજના પ્રમાણએ ચૈત્રા પોતાના પતિ અને તેના પરિવારજનોને ભોજનમાં ઊંઘની ગોળીઓ ભેળવીને આપતી હતી. ગજેન્દ્રને આ અંગે શંકા જતા તેણે બેલૂર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બેલૂર પોલીસે ચૈત્રાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. લગ્નેત્તર સંબંધની આવી ઘટનાઓ આજકાલ લોકોને સાવધાન કરી રહી છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button