POK કેમ પાછું ના લીધું? PM મોદીનો કોંગ્રેસને રોકડો જવાબ, તક કોણે આપી?

નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્રમાં ઓપરેશન સિંદૂર (Operation Sindoor) પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. આજે આ મામલે 16 કલાક જેટલી લાંબી ચર્ચા કરી હતી. ગઈકાલ રાત્રે ૨ વાગ્યા સુધી ચર્ચા ચાલી હતી. આ દરમિયાન સત્તા પક્ષ અને વિપક્ષ બન્ને સામસામે આવી ગયા હતા. આજે પણ સંસદમાં ઉગ્ર ચર્ચા કરી હતી. ચર્ચાના અંતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કોંગ્રેસની સામે સવાલ કર્યા હતા અને ઓપરેશન સિંદૂર દરમિયાન પીઓકે (પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર) પરત કેમ નહીં લાવ્યા એના મુદ્દે પણ જવાબ આપ્યો હતો.
સંસદને સંબોધતા મુદ્દે પીએમ મોદીએ કહ્યું હતું કે પાકિસ્તાને આતંકીઓની પડખે ઊભા રહીને એક મોટી ભૂલ કરી હતી. એના માટે ભારત સંપૂર્ણ રીતે સજ્જ હતું અને પાકિસ્તાને જયારે મેદાનમાં ઉતરવાની કોશિશ કરી તો ભારતીય સેનાએ તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું નવમી-દસમી મેના રાતે ભારતની મિસાઈલોએ પાકિસ્તાનના જુદા જુદા ભાગો પર જબરદસ્ત પ્રહાર કર્યો હતો અને ઓપરેશનને પણ સફળતાપૂર્વક પાર પાડ્યું હતું.
આ પણ વાંચો: POK ભારતનો જ હિસ્સો અને એક દિવસ સાથે આવશેઃ રાજનાથ સિંહે કર્યો વિશ્વાસ વ્યક્ત
PoK પર કબજો કરવાનો અધિકાર કોણે આપ્યો?
કોંગ્રેસે સરકારને સવાલ કર્યો હતો કે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાન પાસેથી પીઓકેને પાછું કેમ ન લાવવામાં આવ્યું? જેનો જવાબ આપતા પીએમ મોદીએ કહ્યું હતું કે આ ઓપરેશન ઈતિહાસમાં એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિના રૂપમાં સ્થાન પામ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે આજે ઘણા લોકો પૂછી રહ્યા છે કે પીઓકેને કેમ પાછું ન લાવવામાં આવ્યું? તે લોકોએ એ લોકોએ પહેલા એ વાતનો જવાબ આપવો જોઈએ કે પીઓકે પર પાકિસ્તાનને કબજો મેળવવાની તક કોની સરકારે આપી હતી. મોદીએ નહેરુ પર નિશાન સાધતા કહ્યું કે જ્યારે હું નહેરુજીનું નામ લઉ છું ત્યારે કોંગ્રેસ અને તેમની સમગ્ર સિસ્ટમ ગભરાઈ જાય છે.
અક્સાઈ ચીનને ‘બંજર જમીન’ કહીને છોડી દીઘી
વડા પ્રધાન મોદીએ કહ્યું કે આઝાદી પછી કેટલાક એવા નિર્ણયો લેવામાં આવ્યા જેની સજા દેશ આજે પણ ભોગવી રહ્યો છે. તેમણે જણાવ્યું કે અક્સાઈ ચીન જેવા વિસ્તારને ‘ઉજ્જડ જમીન’ કહીને છોડી દેવામાં આવ્યા હતા અને તેના કારણે ભારતને 38,000 વર્ગ કિલોમીટર જમીન ગુમાવવી પડી. તેમણે આરોપ લગાવ્યો કે 1966માં કચ્છના રણવિવાદ પર કોંગ્રેસની સરકારે મધ્યસ્થી સ્વીકારીને પાકિસ્તાનને લગભગ 800 વર્ગ કિલોમીટર જમીન સોંપી દીધી, જેમાં છાડબેટ વિસ્તાર પણ સામેલ છે.
આ પણ વાંચો: PoK પાકિસ્તાને ખાલી કરવું જ પડશે, UNમાં ભારતે બતાવી લાલ આંખ
1971ની જીતનો પણ ઉલ્લેખ કર્યો
પીએમ મોદીએ 1971ની જીતનો ઉલ્લેખ કરતા કહ્યું કે તે સમયે ભારતે પાકિસ્તાનના 93,000 સૈનિકને બંદી બનાવ્યા હતા અને હજારો વર્ગ કિલોમીટર ક્ષેત્ર પર કબજો કરી લીધો હતો. પરંતુ તેમ છતાં POKને પાછું લેવા માટે કોઈ પગલું ભરવામાં આવ્યું નહોતું. તેમણે અફસોસ વ્યક્ત કર્યો કે તે સમયે કરતારપુર સાહિબને પણ પાછું લેવામાં આવ્યું નહોતું, જ્યારે બધું જ ટેબલ પર ઉપલબ્ધ હતું.